
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એક વ્યક્તિના મોતની અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે થી ત્રણ હુમલાખોરો પોલીસ/સેનાના ગણવેશમાં હતા. સીએમ ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલાની નિંદા કરી. પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહ સાથે આ હુમલા અંગે વાત કરી અને તેમને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું.
https://twitter.com/ddnews_jammu/status/1914693353247269180
સ્થાનિક સૂત્રોની દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં મૃતકઆંક 20થી વધુ હોઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ અધિકારીક પૃષ્ટિ નથી થઇ.
સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. CRPFની વધારાની ક્વિક રિએક્શન ટીમો (QAT) ને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
કાશ્મીરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આતંકવાદ દેખાતો નથી, પહેલગામ એક એવો વિસ્તાર છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. માર્ચમાં થયેલી હિમવર્ષા પછી, સેંકડો પ્રવાસીઓ અહીં સતત આવી રહ્યા છે. પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકવાદી હુમલો ત્યાં થયો હતો. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો.
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો અત્યંત દુઃખદ અને આઘાતજનક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે, 'નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.'
નાગરિકો પર સૌથી મોટો હુમલો થયો હતો: ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. તેમણે x પર લખ્યું કે, 'મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ પણ નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ આ હુમલો તેની ક્રૂરતા અને સ્કેલની દ્રષ્ટિએ અત્યંત ગંભીર છે.'
અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો
થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.