
ઝારખંડના ખૂંટી જિલ્લામાં ગેંગરેપની એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પહેલા પાંચ સગીર છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, પછી તેમાંથી 3 છોકરીઓ પર 18 સગીર છોકરાઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ સમય દરમિયાન, બે છોકરીઓ આરોપીઓના ચુંગાલમાંથી ભાગી જવામાં સફળ રહી. તે ગામમાં ગઈ અને લોકોને પોતાની ભયાનક આપવીતી કહી. આ મામલે પોલીસે કેસ નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓએ કર્યું હતું 5 સગીરાઓનું અપહરણ
ખૂંટીના એસપી અમન કુમારે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. રાણિયા વિસ્તારમાં લગ્ન સમારોહમાંથી પાંચ છોકરીઓ ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન કેટલાક છોકરાઓ તેની પાછળ પડ્યાં હતા અને થોડે દૂર એક નિર્જન જગ્યામાંથી તમામ 5 સગીરાઓનું અપહરણ કર્યું હતું. તેઓ તેમને બળજબરીથી ટેકરી પર લઈ જવા લાગ્યા. આ દરમિયાન બે છોકરીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી.
જંગલમાં 3 સગીરાઓ પર આચર્યું સામુહિક દુષ્કર્મ
અપહરણ બાદ તમામ 18 આરોપીઓએ ત્રણેય છોકરીઓ પર સામૂહિક બળાત્કાર કર્યો અને તેમને જંગલમાં છોડીને ભાગી ગયા. આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત થયેલી 2 છોકરીઓ ગામમાં પહોંચી અને ગ્રામજનોને સમગ્ર ઘટના અંગે વાત કરી. ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિત છોકરીઓને પોતાની સાથે લઈ ગયા.
પાંચ છોકરીઓમાંથી ત્રણની ઉંમર 12-16 વર્ષની હોવાનું કહેવાય છે, જ્યારે આરોપી છોકરાઓની ઉંમર 12-17 વર્ષની વચ્ચે છે.
પોલીસે તમામ 18 આરોપીઓની કરી ધરપકડ
એસપીએ જણાવ્યું હતું કે પીડિત છોકરીઓની ફરિયાદના આધારે, આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. પોલીસની ટીમે બધા આરોપી છોકરાઓની ધરપકડ કરી છે. સોમવારે તેમને કિશોર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં પણ એક સગીરા પર બની હતી ગેંગરેપની ઘટના
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખૂંટી જિલ્લામાં છ લોકોએ એક આદિવાસી સગીર છોકરીનું અપહરણ કરીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. વિદ્યાર્થિની શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન બે બાઇક પર સવાર છ યુવાનોએ તેનો પીછો કર્યો અને તેને બળજબરીથી ઉપાડી ગયા હતા અને જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો.