
જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી પૂર્ણ થવાના આરે છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનતી જોવા મળી રહી છે. જો કે, ભાજપ પણ રાજ્યમાં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. એક્ઝિટ પોલમાં પણ નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની જંગી બહુમતી જોવા મળી હતી. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધને ભાજપને આકરી ટક્કર આપી છે. અને મજબૂત દાવેદાર તરીકે પોતાને સ્થાપિત કર્યા છે. આવો જાણીએ આ ગઠબંધનને બહુમત મળવાના પરિબળો.
1. રાજકીય ચૂંટણી પહેલાં ગઠબંધન
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે ત્રિશંકુ વિધાનસભાથી બચવાના ઉદ્દેશ સાથે ચૂંટણી પહેલાં જ ગઠબંધન કરી લીધુ હતું. કારણકે, તેમને શંકા હતી કે, ભાજપ રાજ્યમાં તાકાત સાથે ઉભરી શકે છે. આ ગઠબંધનથી તેમણે મતોની વહેંચણી થતી અટકાવી અને ભાજપ સામે મજબૂત વિકલ્પ રજૂ કર્યો. એનસી પાસે 51 બેઠકો પર અને કોંગ્રેસે 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે પાંચ અન્ય બેઠકો પર દોસ્તાના મુકાબલો કર્યો હતો. આ સહયોગથી તેઓ ભાજપ અને અન્ય સ્થાનિક પક્ષો વિરૂદ્ધના મતો મેળવવાનો હતો.
2. ભાજપ વિરૂદ્ધ લહેર
રાજ્યમાં ભાજપ વિરૂદ્ધ પ્રજાની લાગણી વધુ જોવા મળી હતી. ખાસ કરીને જમ્મુ સિવાયના તમામ વિસ્તારોમાં મુસ્લિમ બહુમત વિસ્તારમાં ભાજપ વિરૂદ્ધની લહેર હતી. જો કે, જમ્મુમાં ભાજપને મજબૂત સમર્થન મળ્યું હતું. પરિણામે તે મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. એનસી અને કોંગ્રેસના ગઠબંધને આ લાગણી અને લહેરનો લાભ ઉઠાવ્યો હતો. 370ની કલમ દૂર કરવાનો મુદ્દો બનાવ્યો અને જમ્મુ અને કાશ્મીરના લોકોના હિતોનું ભાજપ પ્રતિનિધિત્વ કરતુ નથી, તેની ખાતરી કરાવી.
3. રાજ્યનો દરજ્જો આપવાનું વચન
એનસી-કોંગ્રેસ ગઠબંધને રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા રાજકીય પરિવર્તનોથી સર્જાયેલી ફરિયાદોના નિવારણ માટે અભિયાન ચલાવ્યું. મતદારોને કદાચ કેન્દ્રશાસિત પ્રદેશ પસંદ નથી. તેમને એવો અનુભવ કરાવ્યો કે, તેમના રાજ્ય તરીકેનુ વર્ચસ્વ ઘટાડી દેવામાં આવ્યું છે.
4. અસરકારક રીતે ઝુંબેશ ચલાવી
કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં જૂના પક્ષો છે. તેથી, મતદારો તેમના કામથી પરિચિત છે. બીજું, કાશ્મીર વિસ્તારમાં અબ્દુલ્લા પરિવારનો પણ સારો પ્રભાવ છે. તેનો તેમને ફાયદો થયો છે. જમ્મુ ક્ષેત્રમાં ભાજપને ફાયદો થયો, કારણ કે ત્યાંના હિંદુ મતોનું ગણિત સંપૂર્ણપણે તેની તરફેણમાં ગયું હતું. બંને પક્ષોએ તેમની ઝુંબેશ સ્થાનિક ફરિયાદો પર કેન્દ્રિત કરી, ખાસ કરીને કલમ 370 અને જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ પર. એનસીએ ભાજપ સાથે જોડાણ કરવા માટે પીડીપીના "વિશ્વાસઘાત" માટે શોક વ્યક્ત કર્યો, જ્યારે કોંગ્રેસે સ્થાનિક શાસનના મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનું વચન આપ્યું. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી મહત્વની હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓએ પાર્ટીના કાર્યકરોમાં મનોબળ વધારવા અને પ્રદેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે રેલીઓમાં ભાગ લીધો હતો. એનસીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે પ્રચાર દરમિયાન તેનું નેતૃત્વ દેખાઈ રહ્યું છે.
5. છેલ્લા પાંચ વર્ષના કામને મુદ્દો બનાવ્યો
એક દાયકા પછી ચૂંટણી યોજાઈ રહી છે. અહીંના લોકો એવી સરકાર ઈચ્છે છે જે રાજ્યનું જૂનું સન્માન અને તાકાત પુનઃસ્થાપિત કરે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ચૂંટણી જીત્યા બાદ તેઓ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે. તેથી આ બાબતની અસર થઈ. પ્રચારની રણનીતિમાં છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના શાસનની આકરી ટીકાનો સમાવેશ થાય છે. ઓમર અબ્દુલ્લા જેવા નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે, ખાસ કરીને રોજગાર અને સરકારમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વ અંગે તેઓ નિષ્ફળ હોવાનો દાવો કર્યો છે.