છત્તીસગઢના બીજાપુરમાં શુક્રવારે ગુમ થયેલા પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ મળી આવ્યો છે. મુકેશ દેશભરમાં નક્સલ બાબતો પર પત્રકારત્વમાં જાણીતું નામ હતું. તે 1 જાન્યુઆરીથી ગુમ હતો. પરંતુ બે દિવસ બાદ શુક્રવારે પત્રકાર મુકેશનો મૃતદેહ કોન્ટ્રાક્ટરની કન્સ્ટ્રક્શન કંપનીમાં બનેલી સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. મુકેશે થોડા દિવસ પહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પત્રકારની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મુકેશે ટેકુલગુડેમમાં અપહરણ કરાયેલા CRPF જવાન રાકેશ્વર મનહાસને છોડાવવામાં સરકાર અને નક્સલવાદીઓ વચ્ચેની વાતચીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

