
પહલગામ હુમલા અંગે નિવેદન કરનાર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ભારે વિવાદમાં ફસાયા છે. તેમનું નિવેદન પાકિસ્તાનના સમાચાર પત્રોની હેડલાઈનમાં છપાતા ચોતરફ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં પાકિસ્તાની મીડિયાએ સિદ્ધારમૈયાના નિવેદનને જુદાં જ એન્ગલમાં છાપી દીધું છે, ત્યારબાદ તેઓ ભાજપના નિશાના પર આવી ગયા છે. બીજી તરફ વિવાદ બાદ તેમણે સ્પષ્ટતા કરી છે કે, ‘મેં ક્યારેય એવું કહ્યું નથી કે યુદ્ધ ન કરવું જોઈએ. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.’
વિવાદ બાદ CM સિદ્ધારમૈયાએ સ્પષ્ટતા કરી
સિદ્ધારમૈયાએ આજે (27 એપ્રિલ) સ્પષ્ટ કહ્યું છે કે, ‘મેં એવું કહ્યું જ નથી કે, આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરવું જોઈએ. મેં એટલું જ કહ્યું કે, યુદ્ધ સમાધાનનો રસ્તો નથી. પ્રવાસીઓને સુરક્ષા આપવી જોઈતી હતી. તેમની સુરક્ષાની જવાબદારી કોની છે? સુરક્ષામાં ભૂલ થઈ છે. ગુપ્તચર નિષ્ફળ છે. ભારત સરકારે પર્યાપ્ત સુરક્ષા આપી નથી. જ્યાં સુધી યુદ્ધની વાત છે અને જરૂરી છે તો યુદ્ધ કરવું જોઈએ.’
https://twitter.com/ANI/status/1916425727186001998
https://twitter.com/ANI/status/1916409324106108976
સિદ્ધારમૈયાએ અગાઉ શું કહ્યું હતું?
અગાઉ સિદ્ધારમૈયાએ કથિત એવું કહ્યું હતું કે, પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. તેમણે શનિવારે (26 એપ્રિલ) કહ્યું હતું કે, ‘કડક સુરક્ષા પગલાં તાત્કાલિક લેવા જોઈએ. અમે યુદ્ધ કરવાના પક્ષમાં નથી. શાંતિ હોવી જોઈએ, લોકોને સુરક્ષાનો અનુભવ થવો જોઈએ અને કેન્દ્ર સરકારે અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.’
https://twitter.com/ANI/status/1916047624597106865
પાકિસ્તાની મીડિયામાં છવાયા સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયાએ શનિવારે જે બોલ્યા હતા, તે પાકિસ્તાની મીડિયામાં છવાયું છે. પાકિસ્તાનની મુખ્ય સમાચાર ચેનલ જિયો ન્યૂઝ સહિતની મીડિયાએ કર્ણાટકના મુખ્યમંત્રીના નિવેદનને જૂદાં જ એંગલમાં રજૂ કર્યું છે. મીડિયામાં લખાયું છે કે, ‘ભારતની અંદરથી યુદ્ધ વિરુદ્ધ અવાજ’
કર્ણાટક ભાજપે પાકિસ્તાની મીડિયાની ક્લિપ શેર કરી
આ મામલા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી ભાજપના નિશાને આવી ગયા છે. કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાઈ. વિજયેન્દ્રએ જિયો ન્યૂઝ બુલેટિનની એક ક્લિપ શેર કર્યું છે અને લખ્યું છે કે, ‘સરહદ પારથી વઝાર-એ-આલા @સિદ્ધારમૈયા માટે ખૂબ ખૂબ જયજયકાર! પાકિસ્તાની મીડિયા @સિદ્ધારમૈયાની ખૂબ પ્રશંસા કરી રહ્યો છે અને તેમણે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે, તે માટે ભાજપ અને અન્ય લોકો પાસેથી મળી રહેલી પ્રતિક્રિયાથી નિરાશ છે.’
ભાજપે સિદ્ધાંરમૈયા પર સાધ્યું નિશાન
કર્ણાટક ભાજપના પ્રમુખે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘રાવલપિંડીના રસ્તાઓ પર નેહરુજીને ખુલ્લી જીપમાં ફરાવાયા હતા, કારણ કે નેહરુએ પાકિસ્તાનના પક્ષમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરતા પાકિસ્તાન ખૂબ ખુશ હતું. શું સિદ્ધારમૈયા આગામી ભારતીય રાજકારણી હશે જેમને પાકિસ્તાનમાં ખુલ્લી જીપમાં ફેરવવામાં આવશે?’
https://twitter.com/BYVijayendra/status/1916370979464585371
સિદ્ધારમૈયાના નિવેદનથી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બી.એસ.યેદિયુરપ્પા પણ ભડક્યા છે. તેમણે કહ્યું કે, ‘વર્તમાન સમયમાં આપણે એક થવાની જરૂર છે, ત્યારે સિદ્ધારમૈયાનું નિવેદન ખૂબ જ નિંદનીય છે. તેમણે વાસ્તવિકતાને સમજવી જોઈએ અને આવા સમયે આવી ટિપ્પણી ન કરવી જોઈએ.’