
સત્તામાં આવવા અને સત્તામાં ટકી રહેવા માટે ભાજપ અને કોંગ્રેસ કંઈપણ કરી શકે છે તેવી બાંગો પોકારનારા કેજરીવાલની દિલ્હીવાસીઓએ બોલતી બંધ કરી દીધી છે. એક દાયકા પહેલાં અન્ના હજારે દ્વારા શરૂ કરાયેલા લોકપાલ આંદોલનમાં અન્ના સાથે સ્ટેજ ઉપર આવીને તથા આમરણ ઉપવાસ કરીને હીરો બનેલા અરવિંદ કેજરીવાલ એન્ડ કંપનીની રાજનીતિ ઉપર દિલ્હીવાસીઓએ ઝાડુ મારીને તેમને ઘર ભેગા કરી દીધા છે. દિલ્હી વિધાનસભાના તાજેતરમાં આવેલા પરિણામોએ સિદ્ધ કરી દીધું છે કે, સ્વચ્છ ચારિત્ર અને સ્વચ્છ કામગીરીના મહોરા પહેરીને ફરનારા આપના નેતાઓએ શરાબ પોલિસી અને અન્ય કામગીરી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હશે અને તેના પગલે જ પ્રજાએ તેમને જાકારો આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ એન્ડ કંપનીએ સૌથી પહેલાં તો અન્ના હજારે સાથે દગાખોરી કરી હતી.
અન્ના હજારે દ્વારા ૨૦૧૧માં લોકપાલ બિલ લાવવા અને કાયદો અમલમાં લાવવા માટે આંદોલન કરાયું હતું. તેમાં અનેક લોકો, સમાજ સેવકો, સેલેબ્સ, ધર્મગુરુઓ, ખેલાડીઓ અને ઘણા લોકો જોડાયા હતા. સૂત્રોના મતે આ આંદોલનની પાછળ સંઘનો દોરી સંચાર પણ હતો. તેમાં બાબા રામદેવ અને અન્ય કેટલાક ધર્મગુરુઓ પણ એક્ટિવ થયા હતા.
આ આંદોલન કોંગ્રેસને પાડવા માટેનું જ હતું. કેજરીવાલ એન્ડ કંપની પણ આ આંદોલનનો ભાગ બની હતી. કેજરીવાલે ૨૦૦૬માં ઈન્કમટેક્સ વિભાગની મોટા પદની નોકરી છોડીને લોક વિકાસના નામે રાજકારણમાં ઘુસવાના પ્રયાસ શરૂ કર્યા હતા. અન્નાનું આંદોલન તેના માટે મોટું મંચ પુરવાર થયું.
આંદોલન દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ઉથલાવવામાં આવી. આંદોલન દરમિયાન કેજરીવાલે જૂથબાજી કરી અને અન્નાથી છૂટા પડીને 2012 માં આમ આદમી પાર્ટીનું નિર્માણ કર્યું.
સામાન્ય વ્યક્તિના પ્રતિનિધિ બનવાના ખેલ શરૂ થયા, પારદર્શકતાની વાતો થવા લાગી, વિકાસની વાતો થવા લાગી, ગરીબોના ઉદ્ધારના વાયદા અપાવા લાગ્યા.
દિલ્હીની પ્રજાએ તેમને તક આપી. તેમાં ઉપરનીચે થયું અને ફરી ચૂંટણી થઈ તેમાં દિલ્હીવાસીઓએ તમામ બેઠકો આપને આપી દીધી. કેજરીવાલ એન્ડ કંપનીએ વિકાસના કામ શરૂ કર્યા પણ પડદા પાછળ ખિસ્સા ભરાવાનું કામ શરૂ થઈ ગયું હોવાના આરોપો આવ્યા. આ દરમિયાન ૨૦૧૫ અને ૨૦૨૦માં બે ચૂંટણી થઈ અને આમ આદમી પાર્ટીને લોકોએ જંગી બહુમતી આપી.
કેજરીવાલ એન્ડ કંપની 2020 બાદ બેફામ થઈ ગઈ
સત્તાનો નશો દરેકના ચહેરા ઉપર, વિચારોમાં અને વ્યવહારમાં દેખાવા લાગ્યો. સરકારી મકાનમાં કરોડો રૂપિયાના ખર્ચે પોતાના માટે સવલતો વધારાવી, લિકર પોલિસીમાં ગોટાળા કર્યા, ઘણી સરકારી નીતિઓમાં સુધારા કરવા જેવી ઘણી ખોટી કામગીરી કેજરીવાલ એન્ડ કંપની દ્વારા કરવામાં આવી. તે ઉપરાંત સરકારી પૈસાનું આંધણ કરીને પોતાની વાહવાહી કરાવવામાં આવી, જાહેરાતો કરાઈ, મકાનો અને અન્ય સુવિધાઓ વિકસાવાઈ.
લોકલાગણીઓ સાથે સતત રમ્યા કરવાનું ભારે પડયું
કેજરીવાલ એન્ડ કંપનીએ સૌથી મોટું જુઠ્ઠાણું સુધારા અને વિકાસનું ચલાવ્યું હતું. આ રીતે લોકલાગણી સાથે મોટી રમત રમી હતી. 2012 માં પાર્ટીની રચના કરી અને પ્રજાને ન્યાય અને સુશાસન આપવાના વાયદા કર્યા. 2013 માં સત્તા મળી પણ ખાસ કામ કરી શક્યા નહીં અને કેન્દ્ર સરકાર નડતી હોવાની બાંગો પોકારી, 2015 માં દિલ્હી વાસીઓએ આપને ફરી બહુમત આપ્યો. આ કાર્યકાળમાં નવી શાળાઓ વિકસાવવી, હેલ્થ સેન્ટરો વિકસાવવા જેવું કામ કર્યું પણ દિલ્હીના વિકાસમાં મોટું યોગદાન અપાયું નહીં. કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક, પોલ્યુશન, પાણી, યમુના જેવા ઘણા પ્રશ્નો યથાવત્ રહ્યા. આ સમયે પણ કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલ ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો. દિલ્હીના પ્રજાજનોએ ત્રીજી વખત 2020 માં અવસર આપ્યો. આ દરમિયાન કોરોનાનો લાભ લઈને અનેક પોલિસીઓમાં ગરબડો શરૂ કરી દીધી અને કહેવાતો કટકીકાંડ ચાલુ કરી દીધા. લોકોને સારી સવલતો અને સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં કેજરીવાલ સરકાર નિષ્ફળ ગઈ. લોકોને ગભરાવ્યા કે, ભાજપ હિંસા કરાવશે, યમુનામાં ઝેર ભેળવશે અને બીજા ઘણા ભયસ્થાનો બતાવીને છેતર્યા. મહિલાઓને દર મહિને 2100 આપવાની વાતો કરી હતી, ત્યારબાદ દર મહિને 1000 આપવાની વાતો કરી હતી તે કોઈ વાયદા પૂરા કર્યા નહીં. યમુના, પાણીની સમસ્યા, પ્રદુષણ, ટ્રાફિકની સમસ્યઓને તેમણે ગૌણ સમજી લીધી. લોકોને તરફ ધ્યાન આપ્યું નહીં અને લોકલાગણી સાથે ચેડાં કર્યા.
રાજ્ય સરકારની આવકને 2026 કરોડનો ચૂનો ચોપડયો
અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ જેવા આપના ચાર મોટા નેતાઓ દિલ્હી સરકારની લિકર પોલિસી લાવ્યા અને કૌભાંડોની વણઝાર લગાડી દીધી. કોરોનાકાળ દરમિયાન દિલ્હી સરકારે નવી લિકર પોલિસી બનાવી અને એક્સાઈઝના પૈસા સગેવગે કરવાનું શરૂ કરી દીધાના આરોપો મુકાયાં. આ ઉપરાંત જે નવી લિકર પોલિસી બનાવી તેના માટે રાજ્યપાલની કે કેબિનેટની મંજૂરી લીધી નહીં અને પોલિસી જ લાગુ કરી દીધી. તે ઉપરાંત એક બોટલ ઉપર એક ફ્રી આપવાની પોલિસી લાવ્યા હતા. એકાદ વર્ષમાં તેના પણ પાટિયા પડી ગયા. ગત મહિના આવેલા કેગના રિપોર્ટમાં તો તેનાથી વધારે મોટા ખુલાસા થયા હતા. તેમાં જણાવાયું હતું કે, આપ સરકારની અણઆવડત અથવા તો ગોઠવણના કારણે રાજ્ય સરકારને 2026 કરોડ રૂપિયાનું નુકસાન ગયું. આ કેસમાં તેનાથી પણ વધારે મોટી કટકી થઈ હોવાના આરોપો પણ મુકાયા છે. તેમાં આપના ચારેય નેતાઓને જેલની હવા પણ ખાવાનો વારો આવ્યો હતો. દિલ્હીના સીએમ કેજરીવાલ પોતે 170 દિવસ જેલમાં રહી આવ્યા. પોતાની પ્રામાણિકતા સાબિત કરવા પદ છોડી દીધું, બીજા સીએમ બેસાડી દીધા પણ પ્રજાને તેમના સત્યતા ખોરી લાગી અને હવે પરિણામ ભોગવવું પડયું. નવાઈની વાત એ રહી કે, ભૂતકાળમાં ઘણા નેતાઓ કરપ્શનમાં જેલમાં ગયા તો તેમણે નૈતિકતાના ધોરણે પદ છોડયા હતા પણ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવતા હતા.
કેજરીવાલને વડાપ્રધાન થવાના અભરખાં લાગ્યા હતા
રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ત્રણ-ત્રણ વખત સત્તા મળ્યા બાદ થોડા બેફામ થઈ ગયા હતા. તેઓ કોંગ્રેસનો વિરોધ કરવા અને કોંગ્રેસને પૂરી કરવા સત્તામાં આવ્યા હતા પણ તેવું થયું નહીં. એક દાયકામાં કોંગ્રેસ સાથે જોડાણ કર્યા અને ક્યારેક ન કર્યા. સત્તાની સાઠમારી કરવામાં તેમણે ક્યારેય રાજકારણને ગંભીરતાતી લીધું નહીં. તેમાંય પંજાબમાં સરકાર આવ્યા બાદ કેજરીવાલ પોતાને રાષ્ટ્રિય રાજકારણના નેતા માનવા લાગ્યા હતા. તેઓ રાષ્ટ્રીય ગઠબંધન સાથે ગમે તે ભાષામાં વાત કરતા હતા. તેઓ પોતાની જાતને પીએમ મટીરીયરલ માનતા હતા. ગઠબંધન સાથે પણ પોતાને પીએમ બનાવવામાં આવે તેવા દબાણ કરતા હતા. દિલ્હીની પ્રજાને અને મતદારોને સાવ કોરાણ મુકી દીધા હતા. દિલ્હીવાસીઓની સમસ્યાઓથી તેઓ દૂર થવા લાગ્યા હતા. બીજી તરફ કોંગ્રેસનું પતન કરવા નીકળેલા કેજરીવાલ ભાજપ સાથે અંગત દુશ્મનીએ આવી ગયા હતા. તેઓ કોઈપણ ભોગે પીએમ બનવા માગતા હતા તેવી ચર્ચાઓ આંતરિક વર્તુળોમાં વેગ પકડવા લાગી હતી.