
AAP પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં મળેલી હાર બાદ હવે રાજકારણની નવી ઇનિંગ શરૂ કરી શકે છે. રાજકીય નિષ્ણાંતોમાં એવી અટકળો તેજ થઈ છે કે કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે. હાલમાં પાર્ટી કે કેજરીવાલ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, AAP ફક્ત પંજાબમાં જ સત્તામાં રહી છે.
સૂત્રોના હવાલેથી અહેવાલમાં જણાવાયું છે કે AAPના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા પેટાચૂંટણી દ્વારા રાજ્યના રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. એવી ચર્ચા છે કે, તેઓ લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી આગામી વિધાનસભા પેટાચૂંટણી લડી શકે છે. હાલમાં આ અંગે અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. એવા પણ અહેવાલો છે કે, AAP રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના સ્થાને કેજરીવાલને ઉપલા ગૃહમાં મોકલવાની યોજના પર વિચાર કરી રહી છે.
અહેવાલ મુજબ, સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પંજાબના 6 વધુ AAP રાજ્યસભા સાંસદોએ પણ કેજરીવાલને તેમની બેઠકોની ઓફર કરી છે, પરંતુ AAP વડા દ્વારા કોઈ ઓફર સ્વીકારવામાં આવી નથી.
દિલ્હીમાં બેઠક દરમિયાન પણ અટકળો ચાલી
૧૧ ફેબ્રુઆરીએ કેજરીવાલે દિલ્હીમાં પંજાબ સરકાર અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારે ધારાસભ્યોએ AAPમાં કોઈપણ આંતરિક ઝઘડાનો ઇનકાર કર્યો હતો અને બેઠકને સંતુલિત ગણાવી હતી. પછી એવી અટકળો ચાલી રહી હતી કે, કેજરીવાલ પંજાબના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, તેમને લુધિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા થઈ રહી હતી. જોકે, AAP સાંસદ માલવિંદર સિંહ કાંગે આવા અહેવાલોને નકારી કાઢતા બેઠકને 'નિયમિત રણનીતિ સત્ર' ગણાવી.
ધ્યાન ભટકાવવા માટે વિપક્ષ આવા મુદ્દા ઉઠાવી રહ્યું છે - AAP
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પંજાબથી રાજ્યસભામાં મોકલવાની ચર્ચાઓ પર પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું કે પાર્ટી સ્તરે હજુ સુધી આવી કોઈ વાતચીત થઈ નથી. વિપક્ષ ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દા ઉઠાવી રહ્યું છે. વિપક્ષી નેતાઓ વિધાનસભાની અંદર કોઈ મુદ્દો ઉઠાવી શકતા નથી કે કંઈ બોલી શકતા નથી, તેથી તેઓ ગેરમાર્ગે દોરવા માટે આવા મુદ્દા ઉઠાવી રહ્યા છે.
પંજાબ સરકાર ટકી રહેવાની નથી - બાજવા
દિલ્હીમાં AAPની હાર બાદ બધાની નજર પંજાબ સરકાર પર છે. ભગવંત માનની સરકાર અંગે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે આ સરકાર ટકવાની નથી, આગામી ચારથી પાંચ મહિનામાં આ સરકાર સાથે એકનાથ શિંદે પ્રકરણ બનશે, જ્યારે મહારાષ્ટ્રનું વિમાન ચંદીગઢમાં ઉતરશે. આમ આદમી પાર્ટી (AAP) ના 32 ધારાસભ્યો સંપર્કમાં છે. બાજવા કહી રહ્યા છે કે, ભાજપ નેતૃત્વ રવનીત બિટ્ટુ થકી સીએમ માનના સંપર્કમાં છે અને ઘણી ગુપ્ત બેઠકો થઈ છે.