Home / India : Madrasas do not provide proper education, stop funding; NCPCR

મદરેસાઓ બાળકોને યોગ્ય શિક્ષણ આપતી નથી, સરકારે ભંડોળ બંધ કરવું જોઈએ; NCPCR

મદરેસાઓ બાળકોને યોગ્ય શિક્ષણ આપતી નથી, સરકારે ભંડોળ બંધ કરવું જોઈએ; NCPCR

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે (NCPCR)કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને મદરેસાઓને ફંડ આપવાનું બંધ કરવા જણાવ્યું છે. તેમને વિખેરી નાખવાની અપીલ પણ કરવામાં આવી છે. પંચે મદરેસાઓની કામગીરી અને મુસ્લિમ બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવામાં તેમની નિષ્ફળતા પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને આ ભલામણ કરી છે. NCPCRના રિપોર્ટ ‘પ્રોટેક્ટર્સ ઑફ ફેઈથ ઓર પ્રપ્રેસર્સ ઑફ રાઈટ્સઃ કૉન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વિરુદ્ધ મદરેસા’માં આ બાબતો કહેવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિપોર્ટ અનુસાર મદરસા બોર્ડ બાળકોના અધિકારો પ્રત્યે જાગૃત નથી. ન તો તેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહ્યા છે અને ન તો તેઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કોઈ પહેલ કરી રહ્યા છે. કમિશન દલીલ કરે છે કે બોર્ડની રચના કરવી અથવા યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) કોડ્સનું પાલન કરવાનો અર્થ એ નથી કે મદરેસાઓ શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 (RTE) ની જોગવાઈઓનું પાલન કરી રહ્યું છે. 

કમિશને પોતાનો રિપોર્ટ તમામ રાજ્યોને મોકલી આપ્યો છે જેમાં મદરેસામાં ભણતા મુસ્લિમ બાળકોને ઔપચારિક શાળાઓમાં પ્રવેશ આપવાની ભલામણ કરવામાં આવી છે. પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે ધાર્મિક શિક્ષણ ઔપચારિક શિક્ષણના ભોગે આપી શકાય નહીં. ભારતીય બંધારણ હેઠળ ઔપચારિક શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે.

કમિશને એવી પણ ભલામણ કરી છે કે માતા-પિતાની સંમતિ વિના મદરેસામાં નોંધાયેલા તમામ બિન-મુસ્લિમ બાળકોને બહાર કાઢી અને મૂળભૂત શિક્ષણ મેળવવા માટે અન્ય શાળાઓમાં દાખલ કરવામાં આવે. પંચે કહ્યું કે, બંધારણની કલમ 28 માતા-પિતા અથવા વાલીઓની સંમતિ વિના સગીરોના મામલામાં ધાર્મિક શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકે છે.

14,819 બિન-મુસ્લિમ બાળકો મદરેસામાં અભ્યાસ કરે છે

કમિશન દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ મધ્યપ્રદેશની મદરેસાઓમાં 9,446 બિન-મુસ્લિમ બાળકો છે. તે પછી રાજસ્થાન (3,103), છત્તીસગઢ (2,159), બિહાર (69) અને ઉત્તરાખંડ (42) આવે છે. એકંદરે, લગભગ 14,819 બિન-મુસ્લિમ બાળકો મદરેસામાં અભ્યાસ કરે છે. ઓડિશામાં મદરેસા બોર્ડે કહ્યું કે ત્યાં કોઈ બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ નથી. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળે ડેટા આપ્યા નથી.

NCPCRએ કહ્યું કે મદરેસાઓ ધાર્મિક શિક્ષણ આપતી વખતે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતને અનુસરતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “મદ્રેસા એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ અને સૂચિત પુસ્તકો NCERT અને SCERT દ્વારા આપવામાં આવેલા અભ્યાસક્રમ મુજબ નથી. "આ જ કારણ છે કે RTEના દાયરામાં આવતા વિદ્યાર્થીઓ કરતાં મદરેસાના વિદ્યાર્થીઓ પાછળ રહે છે."

દેશમાં 19,613 માન્યતા પ્રાપ્ત મદરેસા અને 4,037 અમાન્ય મદરેસા છે. માન્ય મદરેસાઓમાં 26,93,588 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે અમાન્ય મદરેસામાં આ સંખ્યા 5,40,744 છે.

Related News

Icon