
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતાં મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.' ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યાં છે.
'પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા'
મમતા બેનર્જીએ કહ્યું, 'તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં.'
https://twitter.com/ANI/status/1891794594393882772
'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે.' આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંબ આવવાનો ઉલ્લેખ નથી, જો છે તો આ લોકો જણાવે.'
શિવપાલ યાદવે પણ સાધ્યું નિશાન
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, 'સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવો કરીને લોકોની આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતું જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી.'