
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ ભાષણની શરૂઆત જય ભવાની, જય શિવાજીના નારા સાથે કરી હતી અને ભારત માતા કી જય અને વંદે માતરમ સાથે સમાપન કર્યું હતું. જોકે, આ દરિમયાન વક્ફ બોર્ડ સહિતના મુદ્દે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, વકફ બોર્ડ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિનું ઉદાહરણ છે અને બંધારણમાં વકફ કાયદા માટે કોઈ સ્થાન નથી. મહારાષ્ટ્રની ચૂંટણી અને વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં નકારાત્મક રાજકારણ અને વંશવાદની રાજનીતિનો પરાજય થયો છે.
આ પણ વાંચો: VIDEO: હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાંખ્યું છેઃ ફડણવીસનો હુંકાર
'કોંગ્રેસનું પરિવાર સત્તા વગર જીવી નથી શકતુ'
વડાપ્રધાને કહ્યું કે, 'કોંગ્રેસ સહયોગીઓની નાવ પણ ડૂબાડી દે છે. કોંગ્રેસ માટે પોતાના દમ પર સરકાર બનાવવી મુશ્કેલ છે. કોંગ્રેસની વિભાજનકારી નીતિ વિફળ રહી છે. સંવિધાન સાથે પરિવારે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે તૃષ્ટિકરણના બીજ રોપ્યા, અને તેના માટે કાયદો બનાવ્યા છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશની પણ દરકાર ન કરી. કોંગ્રેસે દિલ્હીની આસપાસની સંપત્તિઓ વક્ફને સોંપી છે. સંવિધાનમાં વક્ફ કાનૂન માટે જગ્યા નહીં. કોંગ્રેસે તૃષ્ટિકરણ માટે વક્ફ કાયદો બનાવ્યો. કોંગ્રેસ માટે સત્તા જ બધું છે. કોંગ્રેસનું પરિવાર સત્તા વગર જીવી નથી શકતુ. અર્બન નક્સલવાદીથી સાવધાન રહેવાની જરૂર છે.'
'કોઈ તાકાત 370 કલમને પરત નહીં લાવી શકે'
વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે, 'કોઈ તાકાત 370 કલમને પરત લાવી નહીં શકે.' આ સિવાય વડાપ્રધાને કહ્યું કે, 'ઈટલીવાળા દેશના બદલાયેલા મિજાજને નહીં સમજે. વિરોધીઓ દેશનો મિજાજ ન સમજ્યા. દેશનો મતદાતા અસ્થિરતા નથી ઈચ્છતો, તે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડાયેલો છે. ખુરશી ફર્સ્ટના સપના જોનારાઓને પ્રજાએ નકાર્યા છે. મહારાષ્ટ્રએ ઈન્ડિયા ગઠબંધનને બેનકાબ કર્યું છે. કોગ્રેસ પરજીવી પાર્ટી બનીને રહી ગઈ છે.
'કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે'
વડાપ્રધાને કહ્યું કે, 'છત્રપતિ શિવાજી મહારાજ, આંબેડકર, સાવિત્રીબાઈ ફુલે અમારી પ્રેરણા છે. મરાઠા સમાજ માટે કોંગ્રેસે કંઈ નથી કર્યું. ઈતિહાસનું સમ્માન અમારા સંસ્કાર છે. કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે. ઉદ્ધવ કોંગ્રેસ પાસે બાળા સાહેબના વખાણ ન કરાવી શક્યા. કોંગ્રેસનો ઉદ્દેશ્ય વીર સાવરકરને બદનામ કરવાનો છે. કોંગ્રેસેને માત્ર ખુરશી ફર્સ્ટ. મહારાષ્ટ્રે એકજુટતાનો સંદેશ આપ્યો છે.'
'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો
વડાપ્રધાને કહ્યું કે, 'આજે લોકસભામાં અમારી એક સીટ વધી છે. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. મહાપુરુષોની ધરતીએ તમામ રૅકોર્ડ તોડ્યા છે. મહારાષ્ટ્રમાં 50 વર્ષમાં સૌથી મોટી જીત મળી છે. મહારાષ્ટ્રમાં ડંકે કી ચોટ પર કહ્યું હતું કે 'એક હૈ તો સેફ હૈ'. 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો છે. જાતિ-ધર્મમાં વિભાજન કરનારાઓને લોકોએ સબક શિખવાડ્યો છે. સમાજના દરેક વર્ગે ભાજપને મત આપ્યા છે. પ્રજાએ ઇન્ડિયા ગઠબંધનની ઈકો સિસ્ટમને જાકારો આપ્યો છે. અમે વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલીએ છીએ.'