
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે નવી સરકાર રચવા મહાયુતિના ચૂંટાયેલા સભ્યો રાજ્યપાલ સમક્ષ દાવો કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યો છે. 29 નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? સરકાર બનાવવામાં માત્ર એક જ દિવસનો સમય
નવી સરકારના નવા મંત્રી મંડળમાં ભાજપના ક્વોટામાંથી 25 ધારાસભ્યો શપથ લેશે. જ્યારે શિવસેના ક્વોટાના 5-7 ધારાસભ્યો અને અજિત પવાર જૂથના 5-7 ધારાસભ્યો શપથ લેશે. જ્યારે મહારાષ્ટ્રમાં રાજનાથ સિંહને મુખ્યમંત્રીપદના ચહેરાને લઈને મોટી જવાબદારી સોંપવામાં આવશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં રાજનાથ સિંહ મહત્વની ભૂમિકા ભજવશે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે 2-2-1 ફોર્મ્યુલા નક્કી
મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી બનશે? હવે આ વાતનો અંત આવે તેમ છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માટે 2-2-1ની ફોર્મ્યૂલા નક્કી થઇ ગઇ છે. મહાયુતિના ત્રણેય નેતા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે. પ્રથમ બે વર્ષ દેવેન્દ્ર ફડણવીસ, તે બાદ બે વર્ષ એકનાથ શિંદે અને છેલ્લા એક વર્ષ માટે અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શકે છે.ત્રણેય નેતા આજે સાંજે દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે.અજિત પવાર જૂથ આ ફોર્મ્યુલા માટે ખૂબ ઉત્સુક છે. હવે આ ફોર્મ્યુલા પર ચર્ચા કરવા માટે મહાગઠબંધનના ત્રણેય નેતાઓ દિલ્હી જાય તેવી શક્યતા છે.
મહાગઠબંધનની બેઠકમાં મુખ્યમંત્રી પદની બીજી ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી શકે છે. આ ચર્ચામાં એવું જોવા મળે છે કે શિંદે જૂથ મુખ્યમંત્રી પદ માટે અઢી વર્ષની ફોર્મ્યુલા પર આગ્રહ કરી રહ્યું છે. પ્રથમ ફોર્મ્યુલામાં અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહેશે ત્યારબાદ અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ શિંદે જૂથ પાસે રહી શકે છે.
આજે બપોરે ભાજપના ધારાસભ્યોની દાદરમાં બેઠક મળશે. આ બેઠકમાં પક્ષના નેતા ચૂંટવામાં આવશે. આ પહેલા શિંદે જૂથના નેતા તરીકે એકનાથ શિંદેને ચૂંટવામાં આવ્યા છે. અજિત પવાર જૂથના નેતા અજિત પવાર ચૂંટાયા છે.
મનસેને એક પણ બેઠક ના મળતા રાષ્ટ્રીય પક્ષની માન્યતા ગુમાવશે
રાજ ઠાકરેની મનસેને વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ના મળતા રાષ્ટ્રીય પક્ષની માન્યતા ગુમાવી શકે છે. રાજ ઠાકરેએ શિવતીર્થ પર તાત્કાલીક એક બેઠક બોલાવી છે.
મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને સારૂ પ્રદર્શન કરતા 288 વિધાનસભા બેઠકમાંથી 233 બેઠક જીતી છે. મહાવિકાસ અઘાડી (MVA)ને માત્ર 49 બેઠક જ મળી હતી.