
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન(President's rule) લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં (Manipur Violence) ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ (Curfew) લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી સવારે 6થી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.
આ વખતે વિવાદ કેમ થયો હતો
અહેવાલો અનુસાર, 18મી માર્ચે ચુરાચાંદપુરમાં જોમી અને હમારના સમર્થકો સામસામે આવી ગયા હતા. બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. એક વ્યક્તિએ મોબાઈલ ટાવર (mobile Tower) પર ચઢીને જોમી ધ્વજ ઉતારી જમીન પર ફેંકી દીધો, જેના કારણે વિવાદ થયો.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બંને ગામના અધિકારીઓએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો. લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા અપીલ કરાઈ હતી. આ બેઠકમાં બીજો નિર્ણય લેવામાં આવ્યો કે બંને ગામો વચ્ચે જમીનના વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવામાં આવશે.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, કારણ કે મે 2023થી રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે હિંસામાં લગભગ 250 લોકો માર્યા ગયા હતા. પથ્થરમારો, આગચંપી અને ગુનાહિત ઘટનાઓ બની હતી. હિંસા અને તણાવને કારણે બંને સમુદાયના હજારો લોકો વિસ્થાપિત થયા હતા.