
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થવામાં છે ત્યારે રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા સજ્જ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી (AAP) ફરી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. તો બીજેપી દિલ્હીમાં શાસક પક્ષ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતી નથી. બીજેપી સાંસદ મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ અને AAP ઉપર નિશાન સાધતા કહ્યું કે, અમે અને દિલ્હીના લોકો ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જનતા AAPને હટાવી ભાજપને સત્તામાં લાવવા માંગે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ચૂંટણીનો શંખનાદઃ 5 ફેબ્રુઆરીએ એકજ તબક્કામાં ચૂંટણી યોજાશે
ઝાડુવાલા હી દારુ વાલા હૈ
મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીના લોકો હવે આપ પાર્ટીથી કંટાળી ગયા છે. હવે તેઓ 'આપ'ને હટાવી ભાજપને લાવીને દિલ્હીને સર્વશ્રેષ્ઠ, ઉત્તમ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવા માંગે છે. દિલ્હીના લોકો ચિંચિત છે. હું એક જગ્યાએ ગયો ત્યાં લોકો ગાતા હતા કે,'જૂઠ બોલને મેં ન હિચકતા, મન કા કાલા હૈ, યે ઝાડુવાલા હી દારુ વાલા હૈ.' દિલ્હીના લોકોને ખબર પડી ગઈ છે કે, મધમીઠી વાતો કરીને, મોટા મોટા સપનાં બતાવીને દિલ્હીને લૂંટનાર, શરાબી બનાવનાર, દારુનું કૌભાંડ આચરનાર, વૃદ્ધોનું પેશન રોકનાર, દિલ્હીની હવાને પ્રદૂષિત કરનાર હવે જવાનો છે. અરવિંદ કેજરીવાલ અને તેની ગુનેગારોની ટોળકી જશે. ભારતીય જનતા પાર્ટી આવશે. આફત દૂર કરશે, ભાજપને લાવીશું, અમને પણ ઈંતજાર છે.
જુઠ્ઠાણા અને લૂંટ પર નિર્ભર છે સરકાર
મનોજ તિવારીએ અગાઉ ગુરુવારે AAP સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, દુર્ભાગ્યવશ દિલ્હીમાં એક એવી સરકાર છે જેનો પાયો જુઠ્ઠાણા અને લૂંટ પર આધારિત છે. રાજ્ય સરકાર દિલ્હીના લોકોને 'મોતના મુખ'માં ધકેલી રહી છે. ભાજપ દિલ્હીના લોકોને 'જીવન' આપવા માંગે છે. ભાજપના સાંસદો દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ દિલ્હીના વિકાસ અને અહીંના લોકોના જીવનધોરણને સુધારવાને લઈને કેન્દ્રીય મંત્રીઓને મળી રહ્યા છે.