
પહલગામના બૈસરનમાં 22 એપ્રિલે આતંકીઓએ મોટા નરસંહારને અંજામ આપ્યો હતો. જેમાં 26 પર્યટકોને તેમના પરિજનો અને બાળકો સામે જ ગોળી મારી દીધી હતી. આ આતંકી હુમલાની તપાસ હાલમાં એનઆઈને સોંપાઈ છે. એનઆઈએએ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આતંકીઓએ આ નરસંહારનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આતંકીઓ તેમના શરીર પર બોડી કેમેરા લગાવીને આવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ 'હુઆવેઇ સેટેલાઇટ ફોન' ની ગતિવિધિને ટ્રેક કરી છે. જે ઘટના સમયે તે જ જગ્યાએ હાજર હતા. Huawei એક ચીની કંપની છે. જેના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે. એવી શંકા છે કે આ ફોન પાકિસ્તાન અથવા અન્ય કોઈ વિદેશી સ્ત્રોતથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, આના થકી હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓનો ચાર વખત સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે હુમલો કરનાર ડ્રોનનો ઉપયોગ થઈ શક્યા નહીં. સૂત્રો એમ પણ કહે છે કે હુમલા પહેલા અને દરમિયાન ઓછામાં ઓછા 10 લોકો એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા તેમના હેન્ડલર્સને ચેટીંગ અને કોલિંગ કરી રહ્યા હતા.
સતત પૂછપરછનો દોર યથાવત્
એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ આ આતંકી હુમલા અંગે જમ્મુમાં કેસ નોંધ્યો છે અને અનૌપચારીક રીતે તો આ મામલે મંગળવારથી જ તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાના દિવસે પોલીસ અને આઈજીના નેતૃત્વમાં એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી જ ત્યાં તપાસનો દોર ચાલી રહ્યો છે.
NIA એ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની ટીમો આતંકવાદીઓ વિશે માહિતી મેળવવા માટે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની સઘન તપાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં થયેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંના એકને કારણે બનેલી ઘટનાઓનો ક્રમ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી NIAની ટીમો આ ભયાનક હુમલા તરફ દોરી જતા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા મેળવવા સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
તપાસમાં મળી મહત્ત્વની જાણકારી
NIA અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલાની શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે, આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાતની વચ્ચે હોઈ શકે છે અને આતંકવાદીઓને ઓછામાં ઓછા બે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા. ત્રણેય પાકિસ્તાનના છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે.