
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરીને સૌ પ્રથમ પાકિસ્તાનને ભીંસમાં લીધું. અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી અને તમામ પાકિસ્તાનીઓને દેશ છોડી દેવાનું ફરમાન કરાયું હતું. આ જ અનુસંધાને પાકિસ્તાન પર સખ્તા દર્શાવતા ઈમ્પોર્ટ એક્સપોર્ટ વ્યવહાર પણ બંધ કરી દીધો છે.
હવે ભારતે પણ પાકિસ્તાની ધ્વજ લહેરાતા જહાજોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ધ્વજ લહેરાવતા કોઈપણ જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે. ભારતીય જહાજો પાકિસ્તાની બંદરો પર લાંગરશે નહીં.
આયાત પર પણ પ્રતિબંધ
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલું ભારતીય સંપત્તિ, કાર્ગો અને જોડાયેલ માળખાગત સુવિધાઓની સલામતીના હિતમાં અને ભારતીય શિપિંગના ઉદ્દેશ્યોને આગળ વધારવા માટે લેવામાં આવ્યું છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી સૂચના સુધી ચાલુ રહેશે.
પહલગાવમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર આક્રમક વલણ અપનાવી રહી છે. તાજેતરમાં જ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરોના પ્રવેશ પર પ્રતિબંધ
ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં દરેક પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો અને પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા પાકિસ્તાનથી આવતી દરેક પ્રકારની ટપાલ અને પાર્સલના આદાન- પ્રદાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.'
પાકિસ્તાન સાથે ટપાલ સેવાઓનો ઇતિહાસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત સ્તરે ચાલુ હતું. જોકે, ઓગસ્ટ 2019 માં જમ્મુ - કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી પાકિસ્તાને થોડા સમય માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી હતી. જે બાદમાં ત્રણ મહિના પછી ફરી શરુ કરવામા આવી હતી. પરંતુ હવે, ભારત સરકારે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પહેલગામ હુમલા બાદ ભારતની સખ્તાઈથી પાકિસ્તાનમાં ડર પેદા થયો છે. પાકિસ્તાનીઓને ભય છે કે ભારત ગમે તે ઘડીએ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારત સરકારના આ પ્રતિબંધોથી પાકિસ્તાની અર્થવ્યવસ્થા ઉપર કમરતોડ ઘા છે.