
કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 28થી વધુ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરમાં ભયંકર આતંકવાદી હુમલો થયો, જેના લીધે દેશ આખો થથરી ઊઠ્યો. પહેલગામમાં સહેલ કરી રહેલા પ્રવાસીઓને લક્ષ બનાવીને આતંકવાદીઓએ ગોળીબાર કર્યા હતા જેમાં ઓછામાં ઓછા 28 નાગરિકો માર્યા ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય
હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે. એમાંના 18 ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM)ના, 3 હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના અને 35 ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવાયા છે.
અસલી ગુનેગાર લશ્કર-એ-તૈયબા
પહેલગામના હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે.
સ્થાનિક આતંકવાદીઓ પણ કાશ્મીરને લગાવી રહ્યા છે કલંક
સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે. ‘રાષ્ટ્રીય તપાસ એજન્સી’ (NIA) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓ પર છૂટાછવાયા હુમલા થયા છે, પરંતુ તાજેતરમાં પહેલગામમાં જે થયું એ લેવલનો હુમલો અગાઉ ક્યારેય નથી થયો. ભૂતકાળમાં સ્થાનિક અને વિદેશી બંને આતંકવાદીઓએ મોટાભાગે અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પહેલગામ હુમલામાં તેમણે અલગ વ્યૂહરચના અપનાવી છે. તેથી આ બાબત વિશેષપણે ચિંતાજનક છે.
કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈ જશે
આ આતંકી હુમલાના પરિણામ ગંભીર આવવાના છે. માંડ બેઠો થયેલો કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ઠપ થઈ જશે. પ્રવાસીઓ કાશ્મીર આવતા ડરશે. તેમના બુકિંગ રદ કરશે. હોટલો ખાલી થઈ જશે. પાકિસ્તાન એ જ ઈચ્છે છે કે, કાશ્મીર ભારતથી અલગથલગ થઈ જાય અને રાજ્યમાં તેના આતંકવાદીઓની આણ વર્તાતી રહે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ વર્ષ ૨૦૧૯માં ૫ ઓગસ્ટના રોજ બંધારણમાંથી દૂર કરવામાં આવી. એ પછીથી ISI એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને આવરી લેવા માટે TRF એટલે કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' ની રચના કરી. પાકિસ્તાની સેના આ આતંકવાદી સંગઠનને મદદ કરે છે. TRF મોટે ભાગે લશ્કરના ભંડોળ ચેનલોનો ઉપયોગ કરે છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, "ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે."