
દિલ્હીના જંતર-મંતર પર આજે (24 માર્ચ) INDIA ગઠબંધનના વિદ્યાર્થીઓ દ્વારા NEP-2020, UGC ડ્રાફ્ટ નિયમો અને પેપર લીકના વિરોધમાં દેખાવોનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભારતના ભવિષ્ય અને એજ્યુકેશન સિસ્ટમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.
RSSના હાથમાં એજ્યુકેશન સિસ્ટમ જશે તો દેશ બરબાર થઈ જશે : રાહુલ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘સત્ય એ છે કે, જો આપણું એજ્યુકેશન સિસ્ટમ તેમના (RSS)ના હાથમાં જતું રહેશે, ધીરે ધીરે જઈ પણ રહ્યું છે, તો આપણો દેશ બરબાર જઈ જશે, કોઈને પણ રોજગાર નહીં મળે, આ દેશ ખતમ થઈ જશે. આજે તમામ વિદ્યાર્થી સંગઠનો અહીં આવ્યા, તે બદલ મને ખુશી છે. તમારા બધાની જવાબદારી છે કે, તમે દેશના વિદ્યાર્થીઓને બતાવો કે, આજે હિન્દુસ્તાનની યુનિવર્સિટીમાં આરએસએસના નામાંકન વાઈસ ચાન્સેલર છે. આવનારા સમયમાં પણ સ્ટેટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર RSSએ નામાંકન કરેલા જ હશે.’
દેશમાં સૌથી મોટો મુદ્દે બેરોજગારી
રાહુલે કહ્યું કે, ‘દેશમાં સૌથી મોટો મુદ્દે બેરોજગારીનો છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભમેળા અંગે વાત કરી હતી. મેં તેમને કહેવા ઈચ્છતો હતો કે, કુંભમેળા પર બોલવું સારી વાત છે, પરંતુ તેમણે ભવિષ્ય વિષે બોલવું જોઈતું હતું. તેમણે બેરોજગારી વિષે બોલવાની જરૂર હતી. દેશની તમામ સંપત્તિ અંબાણી-અદાણીને આપવાનો તેમજ તમામ સંસ્થાઓ અને સંગઠનોને આરએસએસને સોંપવાનો ભાજપ-આરએસએસ મૉડનો ઉદ્દેશ્ય છે.’
એજ્યુકેશન સિસ્ટમ સાથે ક્યારેય બાંધછોડ કરી શકાય નહીં : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ‘તમે ઈન્ડિયા ગઠબંધનના વિદ્યાર્થીઓ છો, અમારી વિચારધારાઓ અને નીતિઓમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ અમે દેશના એજ્યુકેશન સિસ્ટમ સાથે ક્યારેય બાંધછોડ કરી શકીએ નહીં. અમે સાથે મળીને આ લડાઈ લડીશું અને RSSને પાછળ ધકેલીશું. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની નિમણૂક અંગેના UGCના ડ્રાફ્ટ નિયમો એ આરએસએસના એજન્ડાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે અને તેનો હેતુ દેશ પર એક ઈતિહાસ, એક પરંપરા, એક ભાષા થોપવાનો છે.