
બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન, ચૂંટણી પંચે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં SIR દરમિયાન ઘરે ઘરે જઈને, બૂથ લેવલ ઓફિસરો (BLOs)ને મોટી સંખ્યામાં એવા લોકો મળી આવ્યા છે જેઓ નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદેસર રીતે આવ્યા છે.
30 સપ્ટેમ્બર 2025માં અંતિમ યાદી જાહેર થશે
ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે 1 ઓગસ્ટ 2025 પછી, યોગ્ય તપાસ બાદ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થનારી અંતિમ યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવશે નહીં. એવી અપેક્ષા છે કે 30 સપ્ટેમ્બર પછી, કમિશન આ સંખ્યાના આંકડા પણ જાહેર કરશે. બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતદાર ગણતરી ફોર્મ સબમિટ કરવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
80 ટકા મતદારોએ આપી માહિતી
અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી માહિતી દાખલ કરીને ફોર્મ સબમિટ કર્યા છે જેમાં નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર ઓળખ કાર્ડ નંબરનો સમાવેશ થાય છે.જોકે, આ કાર્ય માટે પંચે 25 જુલાઇ છેલ્લી તારીખ નક્કી કરી છે પરંતુ એવી અપેક્ષા છે કે આ કાર્ય નિર્ધારિત સમય મર્યાદા પહેલાં પૂર્ણ થશે.
જો નામ ન દેખાય તો શું કરવું?
જે લોકોના નામ 1 ઓગસ્ટના રોજ જાહેર થનારી મતદારોની ડ્રાફ્ટ યાદીમાં નથી તેઓ રાજ્યના મતદાન નોંધણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકે છે અને તેમના પ્રમાણપત્રો સાથે તેનો દાવો કરી શકે છે. મતદારોની અંતિમ યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.