Home / India : National Herald case: Delhi court refuses to issue notice to Sonia Gandhi, Rahul Gandhi and others

નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નોટિસ જારી કરવાનો કર્યો ઇનકાર

નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નોટિસ જારી કરવાનો કર્યો ઇનકાર

નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને હાલ પૂરતું નોટિસ જારી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે આગામી સુનાવણી 2 મેના રોજ નક્કી કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોર્ટે EDને વધુ સંબંધિત દસ્તાવેજો લાવવા જણાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દલીલ કરી હતી કે નવી કાનૂની જોગવાઈઓ હેઠળ, આરોપીને સાંભળ્યા વિના ફરિયાદ (ચાર્જશીટ) પર ધ્યાન આપી શકાય નહીં.

EDએ કોર્ટને વિનંતી કરી કે "અમે નથી ઇચ્છતા કે આ આદેશ લંબાવવામાં આવે. નોટિસ જારી કરવામાં આવે.”

જોકે, ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટને પહેલા આવી નોટિસ જારી કરવાની જરૂરિયાત વિશે ખાતરી કરાવવી પડશે અને ટિપ્પણી કરી હતી કે, "જ્યાં સુધી અમને સંતોષ ન થાય ત્યાં સુધી આવો આદેશ આપી શકતો નથી."

શું છે સમગ્ર કેસ?

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, કેટલાક કોંગ્રેસી નેતાઓએ ખોટી રીતે યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)નું અધિગ્રહણ કર્યું છે. આ બધું દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરાયું. ષડયંત્ર હેઠળ યંગ ઇન્ડિયન લિમિટેડને એજેએલની સંપત્તિનો અધિકાર અપાયો છે.

નેશનલ હેરાલ્ડની સ્થાપના જવાહર લાલ નેહરુએ સ્વતંત્રતા સેનાનીઓની સાથે મળીને 1938માં કરી હતી. ઍસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ (AJL) નેશનલ હેરાલ્ડ સમાચાર પત્રની માલિકીની કંપની છે. કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011એ તેની 90 કરોડની જવાબદારીઓ પોતાના માથે લીધી હતી. તેનો મતલબ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડની લોન આપી દીધી. ત્યારબાદ 5 લાખ રૂપિયાથી આ યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા અને રાહુલ ગાંધીની 38-38 ટકા ભાગીદારી છે. બાકીને 24 ટકા ભાગીદારી કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાંડીઝ(બંને હવે દિવંગત)ની પાસે હતી.

યંગ ઇન્ડિયનને AJLની માલિકી મળી

આ પછી, 'યંગ ઇન્ડિયન'ને 10 રૂપિયાના AJLના નવ કરોડ શેર આપવામાં આવ્યા અને બદલામાં યંગ ઇન્ડિયનને કોંગ્રેસનું દેવું ચૂકવવું પડ્યું. 9 કરોડ શેર સાથે, યંગ ઇન્ડિયનને આ કંપનીના 99 ટકા શેર મળ્યા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ પણ 90 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. તેનો અર્થ એ કે 'યંગ ઇન્ડિયન'ને AJLની માલિકી મફતમાં મળી.

યંગ ઇન્ડિયન લિમિટેડ(YIL)ની શરુઆત વર્ષ 2010માં થઈ હતી. રાહુલ ગાંધી તે સમયે કોંગ્રેસના મહાસચિવ હતા અને તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂપિયાથી થઈ હતી. આ કંપનીમાં રાહુલ ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા અને તેમની માતા સોનિયા ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના હતા.

EDએ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો

EDનો દાવો છે કે YIL દ્વારા AJLની 2,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ પર કબજો લેવામાં આવ્યો છે. એજન્સીનો એવો પણ આરોપ છે કે આમાં ૯૮૮ કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) પાસે દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં રૂ. 661.69 કરોડની સ્થાવર મિલકતો છે અને આ ગુનાહિત આવક દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયન (YI) પાસે AJLમાં ઇક્વિટી શેરના રૂપમાં કુલ રૂ. 90.21 કરોડ ગુનાની રકમ હોવાનું જાણવા મળ્યું.

2021માં શરુ થયેલી આ તપાસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વએ YIL દ્વારા AJLની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તપાસ દરમિયાન EDએ નકલી દાન, ઍડ્વાન્સ ભાડું અને જાહેરાતની આવકમાં વધારો સહિત નાણાકીય અનિયમિતતા દર્શાવતા દસ્તાવેજો શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.

એપ્રિલ 2022માં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન નોંધાવવા માટે ED ઑફિસ પહોંચ્યા હતા. ત્યારબાદ EDએ કોંગ્રેસ નેતા પવન બંસલનું પણ નિવેદન નોંધ્યું હતું. કોંગ્રેસ પાર્ટી ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સતત નકારી રહી છે અને પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. ઉપરાંત, કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ષડયંત્રના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

 

Related News

Icon