
પહેલગામમાં આતંકી હુમલા સમયનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઝિપલાઇન ઓપરેટર મુજમ્મિલની NIAએ પૂછપરછ કરી હતી. જોકે, NIAની પૂછપરછમાં આતંકીઓ સાથે મિલીભગત સામે આવી નથી. પૂછપરછ બાદ ઝિપલાઇન ઓપરેટરને છોડી મુકવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા.
4 વર્ષથી ઝિપલાઇન ઓપરેટર તરીકે કામ કરતો હતો મુજમ્મિલ
પહેલગામની બેસરન ઘાટીમાં ઝિપલાઇન ઓપરેટર તરીકે કામ કરતા મુજમ્મિલના ભાઇએ તે દિવસે શું થયું હતું તેના વિશે ખુલાસો કર્યો છે. મુજમ્મિલના ભાઇએ કહ્યું કે, તે 3-4 વર્ષથી કામ કરે છે. જ્યારે હુમલો થયો ત્યારે તે ભાગીને ઘરે જતો રહ્યો હતો. તેને હાર્ટની સમસ્યા છે. ડરને કારણે તે કઇ બોલી શકે તેમ નહતો.
અલ્લાહ-હૂ-અકબરનો નારો કેમ લગાવ્યો?
ઝિપલાઇન ઓપરેટરના ભાઇએ કહ્યું, 'તે જ્યારે હુમલા બાદ ઘરે આવ્યો ત્યારે ચા પીતો હતો. ત્યારે સુરક્ષા અધિકારીનો ફોન આવ્યો અને તે પોલીસ સ્ટેશન ગયો હતો. અમે ભોજન લઇને પોલીસ સ્ટેશન ગયા હતા પણ અમારી તેની સાથે કોઇ વાત થઇ નહતી. હુમલાને લઇને ભાઇ કન્ફર્મ નહતો કારણ કે તે ઝિપલાઇન ચલાવતો હતો. તે પ્રવાસીઓને રાઇડ કરાવતો હતો. આ વીડિયોમાં પણ જોઇ શકાય છે.
મુજમ્મિલના ભાઇનું કહેવું છે કે આતંકી હુમલા બાદ ભાઇની પૂછપરછ થઇ હતી તે બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. સોમવારે વીડિયો વાયરલ થયા બાદ ફરી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
NIAના અધિકારીઓએ પૂછપરછ કરી હતી અને તેમને જણાવ્યું કે 'અલ્લાહ-હૂ-અકબર' બોલવું એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જેમ હિન્દુઓમાં રામ બોલવામાં આવે છે તેમ મુસ્લિમોમાં 'અલ્લાહ-હૂ-અકબર' બોલવામાં આવે છે. મુજમ્મિલનું આ હુમલા સાથે સીધુ કોઇ કનેક્શન સામે આવ્યું નથી.
અમદાવાદી યુવકના કેમેરામાં કેદ થયો હતો આતંકી હુમલાનો વીડિયો
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા ઋષિ ભટ્ટ જ્યારે પહેલગામમાં ઝિપલાઇનિંગ કરતા હતા આ દરમિયાન આતંકી હુમલાનો વીડિયો તેમના કેમેરામાં કેદ થયો હતો. ઋષિ ભટ્ટે પોતાના ઝિપલાઇનિંગ અનુભવ જણાવતા કહ્યું કે ઓપરેટરના નારા પછી તરત જ તેમણે ગોળીબાર સાંભળ્યો હતો.
ઋષિ ભટ્ટે કહ્યું કે, "હું ઝિપલાઇન કરી રહ્યો હતો ત્યારે ગોળીબાર શરૂ થયો. લગભગ 20 સેકન્ડ પછી મને ખ્યાલ આવ્યો કે તે આતંકવાદી હુમલો હતો. મેં 5-6 લોકોને ગોળી મારતા જોયા. ઋષિ ભટ્ટે જણાવ્યું કે તેણે તરત જ પોતાની જાતને ઝિપલાઇનથી અલગ કરી, અને તેની પત્ની અને પુત્રને પકડી લીધો અને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.અમને એક ખાડા જેવી જગ્યા મળી જ્યાં લોકો છુપાયેલા હતા અને અમે ત્યાં આશરો લીધો હતો"