
રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી પણ લાંબી લાઈનો જોવા મળે છે. હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેન્દ્ર સરકાર વાર્ષિક પાસ બનાવવાનું વિચારી રહી છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહી છે. ગડકરીએ કહ્યું કે, વાર્ષિક પાસ બનાવવાથી મુસાફરોનો સમય બચશે અને તેમને બિનજરૂરી રીતે લાંબી લાઈનોમાં ઉભા રહેવું નહીં પડે. આ સિવાય કેટલીક જગ્યાએ સેટેલાઇટ આધારિત બેરિયર ફ્રી ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો આ યોજના સફળ થશે તો ભવિષ્યમાં તેને વિસ્તારવામાં આવશે.
એડવાન્સ ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, હાલમાં ઘરૌંદા, ચોર્યાસી, નેમિલી અને દ્વારકા એક્સપ્રેસ વે પર એડવાન્સ ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અહીં ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ લાગુ કરવામાં આવી છે. જેના લીધે લોકોને રોકાયા વિના ટોલ પાર કરવાની સુવિધા મળી રહી છે અને ફીસ પણ કપાઈ જાય છે. હાઇવે પર વસૂલવામાં આવતા ટોલ ફી અંગેની માહિતી પ્લાઝા પર વિગતવાર આપવામાં આવી છે. આ સિવાય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર યુઝર ફી અંગેની માહિતી પણ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો ફીમાં વધારો થાય છે કે અન્ય કોઈ ફેરફાર કરાશે તો તેની માહિતી અખબારોમાં પ્રકાશિત કરવામાં આવશે. હાલમાં ટોલ ટેક્સ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક છે.
હાલમાં આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે
નીતિન ગડકરીએ કહ્યું કે અમે દેશના કુલ 325 રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત કુલ 20 હજાર કિલોમીટરનો માર્ગ આવરી લેવાયો છે. 4 કે તેથી વધુ લેનવાળા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ATMS હેઠળ આવરી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ તરફ આગળ વધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ તેમાં સમય લાગશે. આનું કારણ એ છે કે આ માટે વધારાના સેટેલાઈટની જરૂરિયાત રહેશે. તેના વિના વાહનોની વાસ્તવિક સ્થિતિ નક્કી કરવી મુશ્કેલ બનશે. હાલમાં આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે.