
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દિકીની હત્યા બાબતે મુંબઇ પોલીસે નવી વાત કરી છે. ધરપકડ કરાયેલા 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા પહેલા પોલીસે કોર્ટને કહ્યું હતું કે બાબા સિદ્દિકીની હત્યા માટે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ જવાબદાર હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.
લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇની અલગ ગેન્ગ છે. સિદ્દિકીની હત્યા માટે પોલીસે અત્યાર સુધીમાં 26 લોકોની ધરપકડ કરી છે. અનમોલ બિશ્નોઇને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સામે મકોકા લગાડવામાં આવ્યો છે. શરૂઆતના દિવસોમાં પોલીસના સૂત્રો એમ કહેતા હતા કે બાબા સિદ્દિકીની હત્યા લોરેન્સ બિશ્નોઇએ કરાવી છે અને લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરવા માટે એને મુંબઇ લાવવો પણ જરૂરી છે. હવે પોલીસે એકાએક યુટર્ન માર્યો છે.
12 ઓક્ટોબરે બાબા સિદ્દિકીની થઇ હતી હત્યા
મહત્ત્વપૂર્ણ છે કે બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરે બાંદ્રાના નિર્મલ નગર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી કથિત શૂટર શિવકુમાર ગૌતમ સહિત 26 લોકોની ધરપકડ કરી છે. અનમોલ બિશ્નોએ આ ઘટનામાં આરોપી છે. પોલીસે 30 નવેમ્બરે ધરપકડ કરેલા 26 આરોપીઓ વિરૂદ્ધ મકોકાની કલમ લગાવી છે.
આ પણ વાંચો: 'કોવિડ રસીથી નથી થયા અચાનક મૃત્યુ.. ' સંસદમાં રજૂ કરવામાં આવ્યું ICMRનું સંશોધન
કોણ છે લોરેન્સ બિશ્નોઇ?
લોરેન્સ બિશ્નોઇના નામે અવાર નવાર ધમકીઓ આપવાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવતા રહે છે. લોરેન્સ બિશ્નોઇ ક્રાઇમની દુનિયામાં તે મોટું નામ બની ગયો છે જે કેટલાક વર્ષમાં હાઇ પ્રોફાઇલ મર્ડરમાં સામેલ રહ્યો છે. પંજાબના ફજિલ્કા જિલ્લાના દુતરાંવાલી ગામમાં જન્મેલો લોરેન્સ બિશ્નોઇનું નેટવર્ક ઘણુ મોટું છે. કેટલાક યુવક શૂટર તરીકે તેની માટે કામ કરે છે. લોરેન્સની ગેન્ગમાં 700થી વધુ શૂટર્સ છે. 11 રાજ્ય અને 6 દેશમાં બિશ્નોઇ ગેન્ગ ખુલ્લેઆમ ક્રાઇમની ઘટનાઓને અંજામ આપે છે. એક થિયરી માનીએ તો લોરેન્સ બિશ્નોઇને પાવરફુલ નેતાઓનું સમર્થન છે. સાથે જ કેનેડા કનેક્શન પણ તેને ભારતમાં આવી ઘટનાઓને અંજામ આપવાની આઝાદી આપે છે.લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઇ સામે 12 વર્ષમાં 36 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.