
અમેરિકા ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ના લાદે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યાપાર મંત્રી પિયૂષ ગોયલને અમેરિકા મોકલ્યા છે પણ ગોયલ કોઈ રજૂઆત કરે એ પહેલાં તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે.
પિયૂષ ગોયલને અમેરિકન સરકારમાં કોઈ ટોચના હોદ્દેદારને મળી શક્યા નથી
મોદી સરકાર માટે શરમજનક વાત છે કે, પિયૂષ ગોયલ છેલ્લા ત્રણ દિવસથી અમેરિકામાં હોવા છતાં કોઈ અમેરિકન સરકારમાં કોઈ ટોચના હોદ્દેદારને મળી શક્યા નથી. ગોયલ અમેરિકાના સેક્રેેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નહીં આપી હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગોયલ હોવર્ડ લુટનિક ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીરને મળવાના છે પણ હજુ સુધી ગ્રીર સાથે પણ મુલાકાત શક્ય નથી થઈ.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે
લ્યુટનિકે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, લ્યુટનિકે ગોયલને એ પણ મેસેજ મોકલી દીધો છે કે, રેસિપ્રોકલ ટેરિફને ટાળવા માટે ભારત શું કરી શકે છે તેની દરખાસ્ત સીધી વ્હાઈટ હાઉસને મોકલવાની રહેશે અને અમેરિકન કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા નથી. રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી લ્યુટનિક સહિતના અધિકારીઓ ચિત્રમાં આવવા પણ તૈયાર નથી.
ગોયલ 3 માર્ચે ભારતથી અમેરિકા જવા રવાના થયા હતા અને 8 માર્ચ સુધી અમેરિકામાં રોકાવાના છે પણ અમેરિકાનું વલણ જોતાં ટ્રમ્પ સરકારમાં કોઈ ટોચના મંત્રીને મળીને કશું કરી શકે એવી શક્યતા દેખાતી નથી. ગોયલ પાસે કોઈ નક્કર પ્લાન નથી તેથી અમેરિકામાં કોઈ તેમને સમય આપે એવી શક્યતા ઓછી છે.