
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઇ પોલીસ બે આરોપીની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન મુંબઇ પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપીઓએ ખુલાસો કર્યો કે બાબા સિદ્દીકી જ નહીં પણ તેમનો પુત્ર ઝીશાન પણ નિશાના પર હતો.
બાબા સિદ્દીકી અને ઝીશાનને મારવાની આપવામાં આવી હતી સોપારી
મુંબઇ પોલીસે ખુલાસો કર્યો કે, બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ઘટનાના કેટલાક દિવસ પહેલા ધમકીઓ મળી હતી. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે ઝીશઆન અને બાબા સિદ્દીકી બન્ને નિશાના પર હતા અને તેમને આદેશ મળ્યો હતો કે જે પણ મળે તેના પર ગોળી ચલાવી દો. ઝીશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. આરોપીઓને ઝીશાન અને બાબા સિદ્દીકીને મારવાની સોપારી આપવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1845728970580619428
બાબા સિદ્દીકી પર પ્લાન હેઠળ થયો હુમલો
શનિવાર સાંજે બાબા સિદ્દીકી બાંદ્રાના નિર્મલનગરમાં પોતાની ઓફિસમાં બેઠા હતા. તે સમયે ઝીશાન પણ તેમની સાથે જ હતો. ફટાકડા ફોડ્યા બાદ બાબા સિદ્દીકી ઘરે જવાના હતા અને તેના માટે તે રાત્રે 9.39 વાગ્યે ઓફિસમાંથી નીકળ્યા હતા. જ્યારે ફટાકડા ફૂટતા હતા ત્યારે એક કાર ત્યા આવી અને તેમાંથી ત્રણ લોકો ઉતર્યા હતા. રૂમાલથી પોતાનો ચહેરો ઢાંકેલા ત્રણેયે કારમાંથી બહાર નીકળતા જ બાબા સિદ્દીકીને ગોળી મારી હતી. બાબા સિદ્દીકીને છ ગોળી મારવામાં આવી હતી જેમાંથી એક ગોળી છાતીમાં લાગી હતી અને તે ત્યાં જ નીચે ઢળી પડ્યા હતા. તે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોકે, તે પહેલા જ તેમનું મોત થયું હતું.
આ રીતે ઝીશાનનો જીવ બચી ગયો
તે સમયે ઝીશાન સિદ્દીકી પોતાના પિતા સાથે ઘરે જતા હતા. જેવા જ તે બન્ને ઓફિસમાંથી બહાર નીકળવાના હતા ઝીશાનને ફોન આવ્યો અને તે પરત ઓફિસમાં જતો રહ્યો. ત્યાં તે જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે બહારથી ગોળીનો અવાજ આવ્યો હતો. જ્યારે ઝીશાન બહાર આવ્યો ત્યારે બાબા સિદ્દીકી ગોળી લાગતા જમીન પર પડ્યા હતા. ઝીશાને જો તે કોલ રિસીવ ના કર્યો હોત તો હુમલાખોર ઝીશાનને પણ ગોળી મારી દેત. ઝીશાન સિદ્દીકીને 15 દિવસ પહેલા ધમકી આપવામાં આવી હતી અને તેના માટે તેમને વાય લેવલની સુરક્ષા આપવામાં આવી હતી.
પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી છે.પોલીસ પૂછપરછમાં આ ઘટનાને લઇને કેટલાક ખુલાસા થઇ રહ્યાં છે. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટનામાં કોણ સામેલ છે અને બાબા સિદ્દીકીની હત્યાની સોપારી કોને આપી હતી.