
એક પછી એક બોમ્બની ધમકીઓ વચ્ચે એર ઈન્ડિયાના એક વિમાનમાંથી કારતુસ મળી આવ્યું છે. આ ફ્લાઈટ દુબઈથી દિલ્હી આવી હતી. આ દરમિયાન, ફ્લાઇટની સીટના ખિસ્સામાંથી એક કારતૂસ મળી આવ્યું હતું. આ પછી, સ્ટાફે તરત જ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા અને એરપોર્ટ પોલીસને આ અંગે જાણ કરી. આ અંગે માહિતી આપતા એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના 27 ઓક્ટોબરના રોજ બની હતી.
પ્રવક્તાએ કહ્યું કે, 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી ઉતર્યા બાદ અમારી ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી એક દારૂગોળો કારતૂસ મળી આવ્યો હતો. જોકે, તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. મામલાને ગંભીરતાથી લઈને એર ઈન્ડિયાએ તાત્કાલિક એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
https://twitter.com/ANI/status/1852608452297895981
25 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકીઓ
અગાઉ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 25થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 25 ઓક્ટોબરે બોમ્બની ધમકી મળી હતી. ગયા મહિને, 12 દિવસમાં ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 275થી વધુ ફ્લાઇટ્સને નકલી બોમ્બની ધમકીઓ મળી હતી. આમાંની મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિગો, વિસ્તારા અને સ્પાઈસ જેટની સાત-સાત ફ્લાઈટ અને એર ઈન્ડિયાની 6 ફ્લાઈટને ધમકીઓ મળી હતી.
બીજી તરફ ઈન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ઉદયપુરથી દિલ્હી જતી ફ્લાઈટ 6E 2099ને બોમ્બની ધમકી મળી હતી. સુરક્ષા એજન્સીની માર્ગદર્શિકાને અનુસરીને, ટેક-ઓફ પહેલા એરક્રાફ્ટને એક અલગ જગ્યાએ વાળવામાં આવ્યું હતું અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'મેટા' અને 'એક્સ'ને એરલાઇન્સ સાથે બોમ્બ ધમકી સંદેશાઓ વિશે ડેટા શેર કરવા કહ્યું હતું અને આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે, સરકાર એરલાઈન્સને બોમ્બની ધમકીની ઘટનાઓનો સામનો કરવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં આવી ધમકી આપનારાઓને 'નો-ફ્લાય' લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.