
દેશના સીનિયર પરમાણુ વૈજ્ઞાનિક રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થયું છે. તે 88 વર્ષના હતા. આર.ચિદમ્બરમે 1975 અને 1998ના પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરમાણુ ઊર્જા વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે.
એક અધિકારીએ જણાવ્યું કે પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે જોડાયેલા ચિદમ્બરમે સવારે 3.20 વાગ્યે મુંબઇની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આર.ચિદમ્બરમે પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના રૂપમાં પોતાની સેવાઓ આપી હતી. ચિદમ્બરમને 1975 અને 1999માં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોખરણ કનેક્શન
1936માં જન્મેલા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમે ફિઝિક્સમાં Phd પૂર્ણ કર્યા બાદ 1962માં BARCમાં સામેલ થયા હતા. BARCની સ્થાપના હોમી જે ભાભા દ્વારા જાન્યુઆરી 1954માં ટ્રોમ્બે ખાતે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કરવામાં આવી હતી. 1967માં, ચિદમ્બરમ પરમાણુ શસ્ત્રો ડિઝાઇનિંગ ટીમનો ભાગ બન્યા અને પરમાણુ હથિયારના ધાતુશાસ્ત્રીય અને ભૌતિક પાસાઓની ડિઝાઇન અને નિર્માણમાં સામેલ હતા. 1974માં, જ્યારે ભારતે પોખરણમાં તેના પ્રથમ અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું, ત્યારે ડૉ. ચિદમ્બરમ BARCના ડિરેક્ટર અને પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડૉ. રાજા રમન્ના હેઠળના ઓપરેશનમાં મુખ્ય લોકોમાંના એક હતા.ડો. ચિદમ્બરમને જ બોમ્બને સુરક્ષિત અને ગુપ્ત રીતે પોખરણ લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ભારતે પરમાણુ પરીક્ષણ કરવાની જરૂર નથી
ડૉ. ચિદમ્બરમે આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતે વધુ પરમાણુ પરીક્ષણ કરવાની જરૂર નથી. કોઇ અન્ય દેશ પરીક્ષણ નથી કરી રહ્યું. પરમાણુ વૈજ્ઞાનિકે કહ્યું હતું કે આપણ એક કિલોટનથી ઓછાના ન્યૂક્લિયર ડિવાઇસ લઇને 200 કિલોટન સુધીનું નિર્માણ કરી શકીએ છીએ. 10-15 કિલોટનથી ઓછા ન્યૂક્લિયર ડિવાઇસે હિરોશિમા અને નાગાસાકીમાં એક કિલોમીટરના દાયરાને નષ્ટ કરી નાખ્યો હતો.