
દિલ્હીમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણી લડી રહી છે. આ વચ્ચે સુત્રો અનુસાર AIMIM સીલમપુર વિધાનસભા બેઠક પરથી શાહરૂખ પઠાણને ટિકિટ આપી શકે છે. શાહરૂખ પઠાણ દિલ્હી રમખાણનો આરોપી છે. આ પહેલા AIMIMએ દિલ્હી રમખાણના એક અન્ય આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે.
મહત્ત્વપૂર્ણ છે કે, 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણ દરમિયાન એક પોલીસ કર્મી પર બંદૂક બતાવીને શાહરૂખ પઠાણ ચર્ચામાં આવ્યો હતો.
દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને પણ આપી ટિકિટ
અસદુદ્દીન ઓવૈસીએ મુસ્તફાબાદ બેઠક પરથી દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. દિલ્હીની મુસ્તફાબાદ બેઠક પર રસપ્રદ મુકાબલો જોવા મળશે. મુસ્તફાબાદ બેઠક પર 2015નું સમીકરણ બનતું જોવા મળી રહ્યું છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ વહેંચાઇ ગયા હતા જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે 26 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
જેલમાં રહીને ચૂંટણી લડશે તાહિર હુસૈન
2020માં દિલ્હી રમખાણમાં નામ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ તાહિરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો. તાહિર વર્ષ 2020થી જ જેલમાં બંધ છે, તેના પર UAPA, રમખાણનું ષડયંત્ર સહિત કેટલીક કલમમાં 11 કેસ નોંધાયેલા છે. જેલમાં બંધ રહેતા તે ચૂંટણી લડશે.