
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં ડિજિટલ પુરાવા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતની જાસુસી એજન્સીઓએ કહ્યું કે હુમલાના શંકાસ્પદ આતંકીઓના ડિજિટલ ફુટપ્રિન્ટ મુજફ્ફરાબાદ અને કરાચી સ્થિત સેફ હાઉસ સુધી પહોંચી રહ્યાં છે. આ પહેલા આ હુમલાના ક્રોસ બોર્ડર લિંકના પુરાવા પણ મળી રહ્યાં છે. મહત્ત્વપૂર્ણ છે કે આ હુમલામાં અત્યાર સુધી 28 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા.
આતંકીઓએ હુમલા પહેલા કરી હતી રેકી
જાસૂસી એજન્સી અનુસાર આતંકવાદી પુરી તૈયારી સાથે હુમલા માટે આવ્યા હતા. આતંકવાદીઓએ પોતાની પીઠ પર બેગ રાખી હતી જેમાં સુકા માવા, દવા અને સંચારના ઉપકરણ હતા. 5થી 6 વિદેશી આતંકવાદીઓનો એક ગ્રુપ કેટલાક સમયથી જંગલમાં છુપાયેલો હતો અને સ્થાનિક લોકોની મદદથી પહેલગામની રેકી કરી રહ્યો હતો.
જાસુસી એજન્સીઓનો દાવો છે કે 3થી 4 આતંકવાદીઓએ AK-47થી સતત ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન 2 પાકિસ્તાની આતંકવાદી પશ્તો ભાષા પણ બોલતા હતા અને તેમની સાથે 2 સ્થાનિક આતંકી (આદિલ અને આસિફ) પણ હતા. આ બે સ્થાનિક આતંકવાદી બિઝભેરા અને ત્રાલના છે.
જાસુસી એજન્સીઓએ આ હુમલાને અંજામ આપનારા 4 આતંકીઓની એક સાથે તસવીર પણ જાહેર કરી છે. આ તસવીરમાં પાકિસ્તાની સેનામાંથી રિટાયર આસિફ ફૌજી પણ સામેલ છે.
આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા
શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો રૅકોર્ડિંગ કર્યો. એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.