
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ભીષણ સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. પહલગામમાં આતંકી હુમલા બાદથી ભારત તરફથી ઓપરેશન સિંદૂરની શરૂઆત કર્યા બાદથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનમાં ભારતની સેનાએ તબાહી મચાવ્યા બાદ વિફરેલા પાકિસ્તાને પણ ભારતના સરહદી રાજ્યોમાં આડેધડ હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે ભારતીય સૈન્ય દ્વારા તેનો સજ્જડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
સવારે 5 વાગ્યા આસપાસ હુમલાનો પ્રયાસ
સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ સરહદે પાકિસ્તાને ફરી અવળચંડાઈ કરી હતી અને રાતભર હુમલા કર્યા હતા. અમૃતસરના ખાસા કેન્ટ ખાતે સવારે 5 વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવી દેવાયો હતો અને તોડી પાડવામાં આવ્યું હતું. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
https://twitter.com/SpokespersonMoD/status/1921047682849640892
તણાવની સ્થિતિ
ભારતના સરહદીય વિસ્તારોમાં પાકિસ્તાન સાથે ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં બ્લેકઆઉટ રાખવામાં આવી રહ્યો છે. જો કે, પાકિસ્તાન દ્વારા રાત પડતાં જ નાગરિકો પર પણ હુમલા કરવામાં આવી રહ્યાં છે. જો કે, ભારતીય સેના દ્વારા મોટાભાગે આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યાં છે.