
ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા વધુ એક પાકિસ્તાની અધિકારીને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ અધિકારી પર ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા મુજબ વર્તન ન કરવાનો આરોપ છે. સરકારી આદેશ મુજબ, અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.
ભારત સરકારે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે. બુધવારે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને બોલાવવામાં આવ્યા હતા અને એક ડિમાર્ચ (રાજદ્વારી વિરોધ પત્ર) સોંપવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે, ભારતમાં તૈનાત કોઈપણ પાકિસ્તાની રાજદ્વારી કે અધિકારી પોતાના વિશેષાધિકારો અને દરજ્જાનો દુરુપયોગ ન કરે.
જણાવી દઈએ કે, 'પર્સોના નોન ગ્રેટા' એવી પરિસ્થિતિ છે જેમાં કોઈપણ વિદેશી રાજદ્વારીને અનિચ્છનીય જાહેર કરવામાં આવે છે, જેમાં તેને તાત્કાલિક યજમાન દેશ છોડવાનું કહેવામાં આવે છે. રાજદ્વારી સ્તરે આ ખૂબ જ કડક અને ગંભીર પ્રતિક્રિયા માનવામાં આવે છે.