
પહેલગામ હુમલાનો બદલો લેતાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાંઓને નષ્ટ કરતાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ ઓપરેશન સિંદૂરમાં પોતાની હારને જીતમાં બદલવા માટે પાકિસ્તાન વિવિધ દાવા કરી રહ્યું હતું. જેમાં તેનો ભારતના ત્રણ રાફેલ સહિત પાંચ ફાઈટર પ્લેન તોડી પાડ્યા હોવાનો દાવો પોકળ સાબિત થયો છે. રાફેલ બનાવનારી કંપનીએ જ પાકિસ્તાનના આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
ફ્રાન્સની વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રાપિએ પાકિસ્તાન દ્વારા ત્રણ ભારતીય રાફેલ જેટ તોડી પાડ્યા હોવાનો દાવો ફગાવ્યો છે. તેમણે આ દાવાને પાયાવિહોણો ગણાવતાં ખોટો ઠેરવ્યો છે. પેરિસમાં એર શોના આયોજન પહેલાં એરિકે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભારતીય રાફેલને તોડી પાડ્યા હોવાની વાતો ખોટી છે. રાફેલની ક્ષમતાઓ અને તેના ટકાઉપણા પર સંપૂર્ણ વિશ્વાસ છે. રાફેલ અત્યંત ઉપયોગી ફાઈટર પ્લેન છે. તે હવામાં હવાઈ હુમલો, જમીન પર હુમલો, જાસૂસી મિશન, પરમાણુ પ્રતિરોધ, અને એરક્રાફ્ટ કેરિયરથી ઉડાન ભરવા સક્ષમ છે.
પાકિસ્તાન સક્ષમ નથીઃ એરિક
વિશ્વભરમાં મોર્ડન ફાઈટર પ્લેનની યુદ્ધ ક્ષમતા મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાફેલના સીઈઓનું આ નિવેદન પાકિસ્તાનના વધુ એક દાવાની પોલ ખુલ્લી પાડી છે. એરિકના મતે એફ-22 જેવા સ્ટિલ્થ વિમાનની તુલનાએ રાફેલમાં અમુક મર્યાદાઓ છે. પરંતુ એફ-35ની તુલનાએ રાફેલ અત્યંત વર્સેટાઈલ અને યુદ્ધ માટે તત્પર પ્લેન છે. ચીનમાં ઉપલબ્ધ ફાઈટર પ્લેનની તુલનાએ રાફેલની ક્ષમતા અનેકગણી છે. પાકિસ્તાન તેને તોડી પાડવા સક્ષમ નથી.
પાકિસ્તાને થોડા દિવસ પહેલાં જ કર્યો હવો દાવો
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે થોડા દિવસ પહેલાં જ એક મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, પાકિસ્તાને પાંચ ભારતીય ફાઈટર પ્લેન જેમાં ત્રણ રાફેલ તોડી પાડ્યા હતાં. તેમજ અમુક ભારતીય સૈનિકોની ધરપકડ પણ કરી હતી. જો કે, પાકિસ્તાને આ દાવાઓનો કોઈ ઠોસ પુરાવો રજૂ કર્યો ન હતો. બીજી બાજુ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ભારતને થોડુ ઘણું નુકસાન થયું છે. પરંતુ IAFએ પાકિસ્તાનને વધુ નુકસાન પહોંચાડ્યું છે. ભારતે પાકિસ્તાનના છ ફાઈટર પ્લેન જેમાં બે મોનિટરિંગ પ્લેન, 1 સી-130 ટ્રાન્સપોર્ટ પ્લેન અને 30થી વધુ મિસાઈલ અને ડ્રોન નષ્ટ કર્યા છે.