Home / India : Pawan Kalyan lashes out at Tamil leaders over Hindi-Tamil language dispute

હિન્દી- તમિલ ભાષા વિવાદ મુદ્દે તમિલ નેતાઓ પર ભડક્યા પવન કલ્યાણ, કહ્યું- પૈસા લેવા છે પણ...

હિન્દી- તમિલ ભાષા વિવાદ મુદ્દે તમિલ નેતાઓ પર ભડક્યા પવન કલ્યાણ, કહ્યું- પૈસા લેવા છે પણ...

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલન એટલી હદે પહોંચી ગયું છે કે તાજેતરમાં બજેટના લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને હટાવીને તેની જગ્યાએ તમિલ મૂળાક્ષરો લગાવવામાં આવ્યો છે. એવામાં હવે આ મામલે અભિનેતા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ મામલે તમિલનાડુ સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પવન કલ્યાણ તમિલ નેતાઓ પર ભડક્યાં

જનસેના પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કેન્દ્ર સાથે ભાષાના વિવાદ પર ડીએમકેની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, 'મને સમજાતું નથી કે કેટલાક લોકો શા માટે સંસ્કૃતની ટીકા કરે છે. આર્થિક લાભ માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપતાં તમિલનાડુના રાજકારણીઓ હિન્દીનો વિરોધ શા માટે કરે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે, પરંતુ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે - આ કેવો તર્ક છે?…'

ભાષાકીય વિવિધતાને સ્વીકારવી જોઈએ

પવન કલ્યાણે જનસેના પાર્ટીના 12મા સ્થાપના દિવસની ઉજવણી સમયે આ વાતો કહી. ડેપ્યુટી સીએમએ કહ્યું કે, 'ભારતમાં ઘણી ભાષાઓ બોલાય છે. દેશને બે મુખ્ય ભાષાઓને બદલે તમિલ સહિત ઘણી ભાષાઓની જરૂર છે. આથી આપણે ભાષાકીય વિવિધતાને સ્વીકારવી જોઈએ. આનાથી દેશમાં માત્ર એકતા અને અખંડિતતા જ નહીં વધે પરંતુ આપણા લોકોમાં પ્રેમ અને એકતા પણ વધશે. મુસ્લિમો અરબી-ઉર્દુમાં દુઆ પઢે છે, હિન્દુઓ સંસ્કૃતમાં પૂજા કરે છે. તો શું તમે તેમને પણ તમિલ અથવા તેલુગુમાં પ્રાર્થના કરવા કહેશો?'

કોઈપણ ભાષા પ્રત્યે પ્રતિકૂળ વલણ રાખવું તે સંપૂર્ણપણે અવિવેકી

તેલુગુ અભિનેતા પવન કલ્યાણે કહ્યું, 'તમિલનાડુ રાજ્ય હિન્દીને કેમ નકારે છે? જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ જેવા હિન્દીભાષી વિસ્તારોના લોકો તમિલ ફિલ્મોને ખૂબ પસંદ કરે છે. તેઓ હિન્દીમાં ડબ થયેલી તમિલ ફિલ્મો જુએ છે. કોઈપણ ભાષા પ્રત્યે પ્રતિકૂળ વલણ રાખવું તે સંપૂર્ણપણે અવિવેકી છે.'

ઉત્તર-દક્ષિણનું વિભાજન ન કરો

પવન કલ્યાણે ડીએમકે નેતાઓના હિન્દી વિરોધી વલણની ટીકા કરી અને કહ્યું કે, 'આ ખરેખર ભ્રામક બાબતો છે. ઉત્તર-દક્ષિણના વિભાજનથી આગળ વધો અને એકતા અને અખંડિતતાને મહત્ત્વ આપો. કોઈ વસ્તુને તોડવી સહેલી છે, પરંતુ તેને ફરીથી જોડવી ખૂબ જ મુશ્કેલ છે. આથી જનતાના હિતમાં કામ કરે તેવા રાજકીય પક્ષોને પસંદ કરો.' .

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી ફોર્મ્યુલાને લઈને તમિલનાડુમાં હોબાળો ચાલી રહ્યો છે. રાજ્યમાંથી દરરોજ હિન્દી વિરુદ્ધ કોઈને કોઈ નિવેદન આવી રહ્યું છે. સીએમ સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે.


Icon