Home / India : Photos of Ambedkar and Bhagat Singh removed in Delhi

દિલ્હીમાં આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવાયા, ભાજપ સરકાર બનતાં જ થયો મોટો વિવાદ

દિલ્હીમાં આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવાયા, ભાજપ સરકાર બનતાં જ થયો મોટો વિવાદ

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી વિધાનસભાના પ્રથમ સત્રના પહેલા દિવસે બબાલ મચી હતી. ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારોહ પછી વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ પછી વિપક્ષના નેતા આતિશી માર્લેનાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો. આતિશીએ મુખ્યમંત્રી પર તેમના કાર્યાલયમાંથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવવાનો આરોપ લગાવતા ભારે હંગામો મચાવ્યો. પહેલા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ તેમને ઠપકો આપ્યો. પરંતુ તે પછી પણ બબાલ શાંત ના પડી તો ગૃહને સ્થગિત કરવાની નોબત આવી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શપથ ગ્રહણ બાદ વિપક્ષના નેતા આતિશી AAP ધારાસભ્યો સાથે સીએમ રેખા ગુપ્તાને મળવા વિધાનસભામાં મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા. મહિલા સમૃદ્ધિ યોજના અંગેની આ બેઠક પછી આતિશી એક નવો મુદ્દો લઈને આવી. દલિતો અને શીખોનું અપમાન કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવવામાં આવ્યા છે.

વિજેન્દ્ર ગુપ્તાના સ્પીકર તરીકે ચૂંટાયા પછી તરત જ આતિશીએ વિધાનસભામાં આ મુદ્દા પર ભારે હોબાળો મચાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે ધારાસભ્યોએ સ્પીકરના વારંવારના પ્રયાસો છતાં શાંત ન થતાં ગૃહને સ્થગિત કરવું પડ્યું. આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમનો પક્ષ આ મુદ્દો શેરીઓથી ગૃહ સુધી ઉઠાવશે.

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટર પર આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, દિલ્હી ભાજપ સરકારના આ પગલાંથી બાબા સાહેબના કરોડો અનુયાયીઓને દુઃખ થયું છે. તેમણે પોસ્ટ પર લખ્યું, 'દિલ્હીમાં નવી ભાજપ સરકારે બાબા સાહેબનો ફોટો હટાવીને તેની જગ્યાએ વડાપ્રધાન મોદીનો ફોટો લગાવી દીધો છે.' આ યોગ્ય નથી. આનાથી બાબા સાહેબના લાખો અનુયાયીઓને દુઃખ થયું છે. મારી ભાજપને એક વિનંતી છે. તમે પ્રધાનમંત્રીનો ફોટો લગાવી શકો છો પણ બાબા સાહેબનો ફોટો ના હટાવો. તેને ત્યાં જ રહેવા દો. 

આમ આદમી પાર્ટીએ કહ્યું કે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગત સિંહની તસવીરો હવે વિધાનસભા સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવી છે. આતિશીએ આ ઓફિસના અગાઉના અને અત્યારના ફોટો જાહેર કર્યા. એક ફોટામાં આતિશી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલી જોવા મળે છે અને તેમની પાછળ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના ફોટા છે, જ્યારે બીજા ફોટામાં રેખા ગુપ્તાની પાછળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા છે.

જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી કાળ દરમિયાન 2022માં દિલ્હીની તમામ સરકારી ઓફિસોમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના ફોટો લગાવવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી બાદ પંજાબમાં પણ એવું કરવામાં આવ્યું હતું. 

Related News

Icon