
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે તેમની મુલાકાત અંગે માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'તેમની મુલાકાત આપણી વધતી જતી બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપશે.' વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારત આવશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળનો સમાવેશ થશે.
https://twitter.com/ANI/status/1891493292082381177
કોણ છે તમીમ બિન અલ-થાની?
૩ જૂન ૧૯૮૦ના રોજ કતારના દોહામાં જન્મેલા તમીમ બિન અલ-થાની ૨૫ જૂન ૨૦૧૩ના રોજ તેમના પિતા શેખ હમાદ બિન ખલીફા અલ-થાની પછી કતારના અમીર બન્યા. બ્રિટનમાં અભ્યાસ કરનાર તમીમ બિન હમાદે કતાર આર્મીમાં પણ સેવા આપી છે. ૪૪ વર્ષીય તમીમ માત્ર કતારના સૌથી યુવા અમીર જ નથી, પરંતુ તેમની ગણતરી વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખોમાં પણ થાય છે. તેમણે ત્રણ લગ્ન કર્યા છે અને અલગ અલગ પત્નીઓથી તેમને 13 બાળકો છે.
બ્રિટનથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી કતાર પરત ફર્યા બાદ 2003માં તમીમને ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવ્યા હતા. આ પછી 2009માં તેમને આર્મીમાં ડેપ્યુટી કમાન્ડર ઇન ચીફનું પદ મળ્યું. રમતગમતમાં રસ ધરાવતા તમીમને 2006માં કતારમાં એશિયન ગેમ્સના સફળ આયોજન પછી વૈશ્વિક સ્તરે ઓળખ મળી. આ પછી, તેમના નેતૃત્વ હેઠળ, 2022 ફિફા વર્લ્ડ કપનું પણ કતારમાં આયોજન કરવામાં આવ્યું.