
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરી હતી. આ દરમિયાન આખી રાત પીએમ મોદીએ તેના પર નજર રાખી હતી. સુરક્ષાદળોએ પહેલગામ નરસંહારના બદલામાં મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખ્યા હતા.
સંરક્ષણ મંત્રાલયે પૃષ્ટી કરી હતી કે ઓપરેશન દરમિયાન 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા છે. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ (JEM)ના કાર્યાલય અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબા (LET)ના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું છે.
એરસ્ટ્રાઇક પહેલા PM મોદીએ કરી મીટિંગ
વડાપ્રધાન પુરા ઓપરેશન દરમિયાન નજર રાખતા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સીનિયર જાસુસી અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત તેમને જાણકારી આપતા હતા. વડાપ્રધાન અને સેના, નૌસેના અને વાયુ સેનાના પ્રમુખો વચ્ચે મંગળવાર મોડી સાંજથી શરૂ થઇને બુધવાર સવાર સુધી કેટલાક તબક્કાની વાતચીત થઇ હતી.
સૂત્રોએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની યોજના પહેલગામ હુમલા બાદ જાસુસી આકલન બાદ બનાવવામાં આવી હતી. ભારતીય સૈન્ય પરિસંપત્તિઓએ કોઇ પણ પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનને નિશાન બનાવ્યું નથી.
90થી વધુ આતંકીઓનો સફાયો
ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90 થી વધુ આતંકીઓનો સફાયો થઇ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.