Home / India : Politics heated up due to honeytrap scandal, minister's statement 'Videos of 48 leaders ready'

હનીટ્રેપ કાંડથી રાજકારણ ગરમાયું, મંત્રીનું નિવેદન ‘48 નેતાઓના વીડિયો તૈયાર’

હનીટ્રેપ કાંડથી રાજકારણ ગરમાયું, મંત્રીનું નિવેદન ‘48 નેતાઓના વીડિયો તૈયાર’

કર્ણાટકના સહકારિતા મંત્રી કે. એન. રાજન્નાએ વિધાનસભામાં દાવો કર્યો હતો કે તેમને હનીટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ દાવો કર્યો છે કે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કુલ 48 નેતાઓના હનીટ્રેપના વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હનીટ્રેપ કાંડથી કર્ણાટકનું રાજકારણ ગરમાયું 

નોંધનીય છે કે કર્ણાટકમાં ચર્ચા ચાલી રહી હતી કે એક મોટા ગજાના મંત્રી હનીટ્રેપમાં ફસાયા છે. જોકે રાજન્નાએ આજે વિધાનસભામાં જ કબૂલાત કર્યો હતો. જોકે તેમણે અન્ય 48 નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા વીડિયો હોવાનો દાવો કરતાં રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે સૌથી પહેલા હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો જે બાદ ગૃહમાં ગહન ચર્ચા પણ થઈ. ભાજપ ધારાસભ્ય બસનગૌડા પાટિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને સહકારિતા મંત્રી રાજન્ના પણ ફસાયા હોવાનો ડાવોક કર્યો. જે બાદ રાજન્ના ઊભા થયા અને જવાબ આપ્યો. 

શું છે મંત્રીનો આરોપ? 

કે. એન. રાજન્નાએ વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું, કે 'ઘણા લોકો એમ કહે છે કે કર્ણાટક એક સીડી ફેક્ટરી છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે બે જ મંત્રી ફસાયા છે, હું અને પરમેશ્વર. પણ વાત અહીં સુધી જ સીમિત નથી. રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા જાળ પાથરવામાં આવી છે. હું આ મુદ્દે લેખિતમાં ફરિયાદ નોંધાવીશ. આશરે 48 રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓના વીડિયો છે. હું ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે આ મામલે તપાસ કરવામાં આવે કે કોણ આવા ષડ્યંત્ર રચી રહ્યું છે.'

તપાસનું આશ્વાસન 

કે. એન. રાજન્નાના નિવેદન બાદ કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું હતું કે લેખિતમાં ફરિયાદ મળશે તો ચોક્કસ ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે. 

વિપક્ષ પણ તપાસ માટે તૈયાર 

કર્ણાટકના વિપક્ષ નેતા આર. અશોકે પણ આ મામલે તપાસની માંગ કરતાં કહ્યું હતું કે એવા આરોપો છે કે ઘણા લોકો હનીટ્રેપમાં ફસાઈ ગયા છે તેથી એક ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ.

જોકે સમગ્ર મામલે સવાલ થાય છે કે મંત્રી પાસે માહિતી ક્યાંથી આવી કે કેટલા નેતાઓના વીડિયો છે અને જો તેમની પાસે આ માહિતી હતી તો અત્યાર સુધી સરકારને કે પોલીસને જાણ કેમ ન કરી? વિધાનસભામાં રજૂઆત થયા પછી જ તપાસની માંગ કેમ કરી? 

 

 

 

Related News

Icon