
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અસ્થિને તેમના પરિવારના સભ્યો દ્વારા શીખ રિવાજો મુજબ મજનુ કા ટીલા ગુરુદ્વારા પાસે યમુના નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. સોમવારે કોંગ્રેસે કહ્યું કે, પરિવારની ગોપનીયતાનું સમ્માન કરીને પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અસ્થિ વિસર્જન કરવા પરિવાર સાથે ગયા નહોતા.
ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો
ગાંધી પરિવાર તરફથી અસ્થિ વિસર્જનમાં કોઈએ હાજરી ન આપતાં, ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગાંધી પરિવારના કોઈ સભ્ય અને કોંગ્રેસના કોઈ મોટા નેતાએ આ પ્રસંગે હાજરી આપી ન હતી, જે શરમજનક છે.
પરિવારની ગોપનીયતાનું સમ્માન કરીને...
ત્યારે તેના જવાબમાં કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પરિવારની ગોપનીયતાનું સમ્માન કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહજીના અસ્થિ વિસર્જન કરવા સમયે પરિવાર સાથે નહોતા ગયા.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'દિવંગત નેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા પછી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના નિવાસસ્થાને પરિવારને મળ્યા હતા.'
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે 26 ડિસેમ્બરની રાત્રે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અવસાન થયું હતું.