
તિબેટના ધર્મગુરૂ દલાઇ લામાએ 6 જુલાઇએ પોતાના જન્મદિવસના પ્રસંગે પોતાના ઉત્તરાધિકારીની ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી હતી. દલાઇ લામાની જાહેરાત પર ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને ફરી એક વખત કહ્યું કે તિબેટના ધર્મગુરૂના ઉત્તરાધિકારીની ચૂંટણીનો અધિકાર દલાઇ લામાને નથી. ચીન અને દલાઇ લામાના વધતા વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દલાઇ લામાને ભારત રત્ન આપવામાં આવી શકે છે.
દલાઇ લામાને ભારતનું સર્વોચ્ચ સમ્માન આપવામાં આવી શકે
ભારતમાં દલાઇ લામાને દેશના સૌથી મોટા નાગરિક સમ્માન 'ભારત રત્ન' આપવાની કવાયત ઝડપી બનાવાઇ છે. ભારતીય સાંસદોના ઓલ પાર્ટી ફોરમે દલાઇ લામાને ભારત રત્ન આપવાનું સૂચન આપ્યું છે. આટલું જ નહીં, 80 સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર પણ કર્યા છે. માનવામાં આવે છે કે જલદી આ પ્રસ્તાવને વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. એવામાં ઘણા લોકોના મનમાં સવાલ છે કે એક વિદેશ નાગરિકને ભારત રત્ન આપવામાં આવી શકે છે? અત્યાર સુધી કેટલા વિદેશી નાગરિકોને આ સમ્માન આપવામાં આવ્યું છે? તમામ સવાલના જવાબ જાણીયે...
ભારત રત્ન વિશે ઉઠાવવામાં આવી રહેલો આ પ્રશ્ન પણ વાજબી છે કારણ કે દલાઈ લામા ભારતના નાગરિક નથી. ભલે તેઓ 1959થી તિબેટમાંથી નિર્વાસિત નાગરિક તરીકે ભારતમાં રહે છે, છતાં તેમણે હજુ સુધી ભારતીય નાગરિકતા લીધી નથી. તિબેટ પર ચીનના કબજા પછી, દલાઈ લામા તેમના હજારો સમર્થકો સાથે ભારત આવ્યા હતા. આ પછી, તેમણે ધર્મશાળાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું. તેમની નિર્વાસિત સરકાર પણ અહીંથી કાર્યરત છે.
કેટલા વિદેશી નાગરિકોને મળ્યુ છે ભારત રત્ન?
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેમ કે તેના નામથી જ ખબર પડે છે કે આ સમ્માન ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સામાં આ અપવાદ છે. અત્યાર સુધી ત્રણ વિદેશી નાગરિકોને પણ ભારત રત્ન આપવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાની નાગરિક ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, નેલ્સન મંડેલા અને મધર ટેરેસાનું નામ સામેલ છે. જોકે, મધર ટેરેસાએ બાદમાં ભારતીય નાગરિકતા લઇ લીધી હતી.