
બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દિલ્હીમાં મહાગઠબંધનના બે મોટા પક્ષ RJD અને કોંગ્રેસના નેતાઓની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ, લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થયા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના ઘરે મળી હતી.
આ બેઠકમાં કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, બિહાર કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લવરૂ, RJD સાંસદ મનોજ ઝા અને સંજય યાદવ પણ હાજર રહ્યા હતા.
બેઠકને લઇને તેજસ્વી યાદવે શું કહ્યું?
RJD નેતા તેજસ્વી યાદવે કોંગ્રેસ સાથે બેઠક પર કહ્યું, "અમે બેઠક કરી છે અને ઘણી સકારાત્મક ચર્ચા થઇ છે અને 17 તારીખે પટણામાં પોતાના ગઠબંધનના સહયોગીઓ સાથે બેઠીશું. અમે પુરી રીતે તૈયાર છીએ. અમે બિહારને મજબૂતી સાથે આગળ લઇ જવા માટે કટિબદ્ધ છીએ.'
વધુમાં તેજસ્વી યાદવે કહ્યું કે, "20 વર્ષથી સત્તામાં રહેલી રાજ્ય સરકાર અને 11 વર્ષથી કેન્દ્રમાં NDA સરકાર છે, તેમના 20 વર્ષથી સરકારમાં બિહાર સૌથી ગરીબ છે. દરેક વ્યક્તિની આવક સૌથી ઓછી છે અને સૌથી વધુ પલાયન થાય છે. અમે મુદ્દા પર ચૂંટણી લડવા માંગીએ છીએ." RJD નેતા તેજસ્વી યાદવે મહાગઠબંધનના મુખ્યમંત્રીના ચહેરાને લઇને સવાલ પૂછવા પર કહ્યું, "વાતચીત બાદ તમામ વસ્તુ સામે આવી જશે."
RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ શું કહ્યું?
બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને તેજસ્વી યાદવની બેઠક પર RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે લોકતંત્રમાં મુખ્યમંત્રી કોણ બનશે? આ જનતા નક્કી કરે છે. બિહારની 14 કરોડ જનતા તેજસ્વી યાદવને પોતાના મુખ્યમંત્રી માની ચુકી છે, તેમને કહ્યું કે મહાગઠબંધન પુરી રીતે એકજુટ છે અને મજબૂતીથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.