Home / India : Ram Navami procession stone pelted in Murshidabad, scores injured in violent clashes

પશ્ચિમ બંગાળ: મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, હિંસક અથડામણમાં સંખ્યાબંધ લોકો ઘાયલ

પશ્ચિમ બંગાળ: મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, હિંસક અથડામણમાં સંખ્યાબંધ લોકો ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામ નવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. બુધવારે (17 એપ્રિલ) બંગાળના મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં એક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 20 લોકો ઘાયલ થયા હતા. બુધવારે સાંજે શક્તિપુરમાં એક શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ઘટનાને લઈને ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને ઘેરી છે. પથ્થરબાજી અંગે પક્ષે કહ્યું છે કે આ વર્ષે પણ પોલીસ રામ ભક્તોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. ભાજપે કહ્યું કે ગયા વર્ષે પણ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે દલખોલા, રિશ્રા અને સેરામપુરમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ સરકારી તંત્રની સંપૂર્ણ પરવાનગી બાદ નિકળેલી રામ નવમીની શાંતિપૂર્ણ શોભાયાત્રા પર શક્તિપુરમાં અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

રામનવમીની શોભાયાત્રા પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો

મુર્શિદાબાદમાં પથ્થરમારાની ઘટના જિલ્લાના શક્તિપુર વિસ્તારમાં ત્યારે સામે આવી, જ્યારે બુધવારે સાંજે અહીંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી. ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો ધાબા પરથી પથ્થરમારો કરતા જોઈ શકાય છે. પથ્થરબાજી બાદ ભીડ ઉગ્ર બની હતી. જેને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે અને સ્થળ પર શાંતિ જાળવવા વધારાના દળો મોકલવામાં આવ્યા છે. પથ્થરમારાના કારણે ઘાયલ થયેલા લોકોને બહેરામપુરની ‘મુર્શિદાબાદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં’ દાખલ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું, “શાંતિપૂર્ણ રામ નવમીના શોભાયાત્રા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ મુર્શિદાબાદના શક્તિપુર અને બેલડાંગા-2 બ્લોકમાં અસામાજીક તત્વોએ હુમલો કર્યો.”

Related News

Icon