
26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ત્યારબાદ આવતીકાલે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે. જ્યારે છેલ્લી બે ચૂંટણીઓમાં ભાજપ માત્ર 3 અને 8 બેઠકો સુધી જ સીમિત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર AAP આ વખતે માત્ર 22 બેઠકો જ જીતી શકી છે.
વિધાનસભા ચૂંટણીમાં રેખા ગુપ્તાનું આ રહ્યું પ્રદર્શન
રેખા ગુપ્તા 2025 માં શાલીમાર બાગથી જીત્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના બંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા. જોકે, 2015 અને 2020માં, રેખા ગુપ્તા AAP ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા.
રેખા ગુપ્તાએ ABVP થી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી
રેખા ગુપ્તા વર્ષ 2009 માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010 થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને 2012માં ઉત્તર પિતામપુરા (વોર્ડ ૫૪)માંથી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેણી 2013 થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહી છે - અને 2025 માં જીતી છે. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી.
વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે
ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તા અને નાયબ મુખ્યમંત્રી પદ માટે પ્રવેશ વર્માનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમજ વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવશે.
પ્રવેશ વર્મા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી બનશે
પ્રવેશ વર્માને દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય પક્ષની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી માટે તેમના નામને મંજૂરી આપવામાં આવી છે.