
દેશમાં પંજાબના લુધિયાણા પશ્ચિમ સહિત ચાર રાજ્યોની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે. આમ આદમી પાર્ટીએ પાંચમાંથી બે બેઠકો જીતી છે, જ્યારે ભાજપ, કોંગ્રેસ અને ટીએમસીને એક-એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવ અરોરાએ લુધિયાણા પશ્ચિમ બેઠક પર મોટા માર્જિનથી જીત મેળવી છે, જ્યારે AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની વિસાવદર બેઠક પર 17581 મતોના મોટા માર્જિનથી જીત મેળવી છે, જ્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ કડી (SC) બેઠક પરથી મોટા માર્જિનથી જીત મેળવી છે. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 39,452 મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે.
આ સિવાય પશ્ચિમ બંગાળમાં કાલીગંજ પેટાચૂંટણીમાં TMCના ઉમેદવાર અલીફા અહેમદે ભાજપના ઉમેદવાર આશિષ ઘોષને 48,673થી વધુ મતોના મોટા માર્જિનથી હરાવ્યા છે. જ્યારે કેરળમાં નીલામ્બુર કોંગ્રેસના ઉમેદવાર આર્યદાન શૌકત પેટાચૂંટણી જીતી ગયા છે.
જણાવી દઈએ કે ગુરુવારે પંજાબમાં લુધિયાણા પશ્ચિમ, પશ્ચિમ બંગાળમાં કાલીગંજ, ગુજરાતની વિસાવદર - કડીની અને કેરળમાં નીલામ્બુર સહિત પાંચ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. લુધિયાણા પશ્ચિમ બેઠક ઉપર AAP એ તેના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભારત ભૂષણ આશુને, ભાજપે જીવન ગુપ્તાને અને શિરોમણી અકાલી દળ (SAD) એ પરુપકર સિંહ ઘુમનને મેદાનમાં ઉતાર્યા હતા.
આ વિધાનસભા સીટોમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એક-એક બેઠક પર વર્તમાન ધારાસભ્યોનું મૃત્યુ થતાં આ બેઠકો ખાલી થઈ હતી. જ્યારે કેરળ અને ગુજરાતની બીજી બેઠક પર ધારાસભ્યોએ રાજીનામું આપતા પેટાચૂંટણીઓ યોજાઈ હતી.