
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ વક્ફ સુધારા બિલથી લઈને ઔરંગઝેબ અને સીમાંકન સુધીના મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું. ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું કે, 'આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાઓને આદર્શ બનાવવા જોઈએ કે સ્થાનિકોને માન આપવું જોઈએ.' આ ઉપરાંત તેમણે વક્ફ બિલ પર કહ્યું કે, 'વક્ફનું શું થશે? આપણે જોઈશું કે સરકાર શું કરે છે. સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે.'
'જે લોકો ભારતના વિરોધી રહ્યા છે તેમને આઈકોન ન બનાવી શકાય'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા રવિવારે (23 માર્ચ) બેંગલુરુમાં સંપન્ન થઈ હતી. RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ઔરંગઝેબ અંગે તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ભારતના વિરોધી રહ્યા છે તેમને આઈકોન ન બનાવી શકાય. ગંગા-જમુની સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જો દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.'
સીમાંકન પર દત્તાત્રેય હોસબોલેએ શું કહ્યું?
સીમાંકન અંગે, RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું, 'વસ્તી ગણતરી શરૂ થવા દો. સીમાંકન પણ થવા દો, પછી આપણે જોઈશું. જો સંઘના કોઈપણ વ્યક્તિ કે કાર્યકરને યોગ્યતાના આધારે રાજકારણી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. આમાં સંઘની કોઈ ભૂમિકા નથી.'
'બાબા સાહેબને પણ ધર્મ આધારિત અનામત સ્વીકાર્ય ન હતી'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ મુસ્લિમોને કોન્ટ્રાક્ટમાં 4 ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું કે, 'ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતાં.'
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પર પ્રસ્તાવ
આરએસએસના સહ સંઘ બાંગ્લાદેશમાં સહ સરકાર્યવાહ અરૂણ કુમારે જણાવ્યું કે, 'સંઘ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઈસ્લામિક તત્વોના હાથમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો વિરૂદ્ધ થઈ રહેલી હિંસા, ઉત્પીડન, અને લક્ષિત ઉત્પીડન પર ચિંતિંત છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે. પ્રસ્તાવમાં ધાર્મિક અસહિષ્ણુતા અને માનવાધિકરોના ઉલ્લંઘનના કૃત્યોની આકરી નિંદા થઈ રહી છે. આ મામલે વૈશ્વિક સમુદાયોને નિર્ણાયક કાર્યવાહી કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.'