
સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દસકાથી ચાલી રહેલા એક કેસમાં અંતિમ ચુકાદો આપ્યો હતો. આ કેસ ડીએનએ ટેસ્ટ ના કરાવવા માગતા એક પુરુષની પ્રાઇવસીનો અધિકાર અને ટેસ્ટની માગ કરી રહેલાના ભરણપોષણ અને તેના મૂળ પિતા કોણ છે તે જાણવાના એક પુત્રના અધિકારો વચ્ચેનો હતો. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીના અધિકારને ધ્યાનમાં રાખીને અંતે પુત્રની માગ ઠુકરાવી હતી. સુપ્રીમે પ્રાઇવસી, મહિલાનો અને પુત્રનો અધિકાર એમ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો.
બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં ચુકાદો પડકાર્યો
મહિલાના લગ્ન 1989માં થયા હતા, 1991માં એક બાળકીનો જન્મ થયો જે બાદ 2001માં એક બાળકનો જન્મ થયો હતો. 2003માં મહિલા પતિથી અલગ થઇ ગઇ, બાદમાં વર્ષ ૨૦૦૬માં બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા. આ દરમિયાન મહિલાએ નગર પાલિકામાં અરજી કરી અને પોતાના 2001માં જન્મેલા બાળકના પિતાનું નામ બદલવા માગ કરી અને દાવો કર્યો કે તેના મૂળ પિતા કોઇ અન્ય પુરુષ છે. જોકે પાલિકાએ અરજી ઠુકરાવી દીધી. બાદમાં સ્થાનિક કોર્ટમાં અપીલ કરાઇ, કોર્ટે બાયોલોજિકલ પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો, જેને બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યો.
પેટરનિટી ટેસ્ટનો આદેશ ક્યારે આપી શકાય
હાઇકોર્ટે પ્રાઇવસીના અધિકારને માન્ય રાખીને ડીએનએ ટેસ્ટ ના પાડી દીધી. સાથે જ કહ્યું કે પેટરનિટી ટેસ્ટનો આદેશ ત્યારે જ આપી શકાય જ્યારે એ સાબિત થાય કે પતિ-પત્ની વચ્ચે કોઇ સંપર્ક નહોતો. તેથી હાઇકોર્ટના ચુકાદાને બાદમાં પુત્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. જોકે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમમાં યુવકે દલીલ કરી હતી કે તેના મૂળ પિતા કોણ છે તે જાણવા ડીએનએ ટેસ્ટ જરૂરી છે, આ મારો અધિકાર છે. જોકે જેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગ થઇ હતી તેણે પુત્રની આ માગનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી મારી પ્રાઇવેસીનો ભંગ થશે.
પુત્રનો જન્મ થયો ત્યારે મહિલા પોતાના પતિ સાથે એક ઘરમાં રહેતી હતી
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે મહિલા પોતાના પતિ સાથે એક ઘરમાં રહેતી હતી, આ દરમિયાન અન્ય કોઇ પુરુષ સાથે સંબંધથી પણ જો કોઇ બાળકનો જન્મ થાય તો તેવુ ના માની લેવાય કે મહિલા અને તેના પતિ વચ્ચે કોઇ સંબંધ નહોતો. એવુ માની પણ લઇએ કે મહિલા લગ્નેત્તર સંબંધમાં હતી અને તેનાથી જ બાળકનો જન્મ થયો તો પણ આ દલીલ પૂર્ણ નથી. કોઇ એક કે તેથી વધુ સાથે સંપર્ક હોવાથી સાબિત નથી થતંુ કે મહિલાનો તેના પતિ સાથે કોઇ સંબંધ નહોતો. તેથી યુવકને તેના કાયદેસર પિતાનો જ પુત્ર માનવામાં આવે. આ મામલામાં મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ના કરાવવાનો પ્રાઇવેસીનો અધિકાર વગેરેને ધ્યાનમાં રાખીને સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો.