
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાના વિવાદ વચ્ચે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ પાંચમી જુલાઈને યોજવામાં આવેલી રેલીને સમર્થન આપ્યું છે. આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, 'સચિન તેંડુલકર જેવા સેલિબ્રિટીઓ પર મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપવા માટે દબાણ ન કરવું જોઈએ. તેમને ક્રિકેટ વિશે પૂછો, હિન્દી ભાષા લાદવા અંગે પોતાનો અભિપ્રાય આપવા માટે તેમને વચ્ચે ન લાવશો.' નોંધનીય છે કે, તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના સરકારની આ નીતિ સામે મરાઠી કલાકારો અને રમતવીરોને જોડાવા અંગેના નિવેદન પર આ પ્રતિક્રિયા આપી છે.
હિન્દી લાદવાનો મુદ્દો આપણા માટે મહત્વપૂર્ણ છે: શરદ પવાર
પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, 'મને ખબર નથી કે રાજ ઠાકરેનો શું અર્થ હતો. હિન્દી લાદવાના મુદ્દા પર સચિન તેંડુલકર પર પોતાનો અભિપ્રાય આપવા માટે દબાણ કેમ કરવું જોઈએ? તેમને ક્રિકેટ વિશે પૂછો, તે ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ. જો તેમને ક્રિકેટ અંગે તેમનો અભિપ્રાય પૂછવામાં આવે તો હું સમજી શકું છું. આવા વ્યક્તિઓને એવા મુદ્દાઓ વિશે પૂછશો નહીં જે તેમની સાથે સંબંધિત નથી. હિન્દી લાદવાનો મુદ્દો આપણા માટે મહત્વપૂર્ણ છે.'
અમે વિરોધ માર્ચમાં ભાગ લેવાનું નક્કી કર્યું છેः પાટીલ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પાંચમી જુલાઈએ મુંબઈમાં એક રેલી યોજવા જઈ રહ્યા છે. જે રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત ભાષા બનાવવાના વિરોધમાં હશે. એનસીપી નેતા (શરદ જૂથ)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે કહ્યું, 'અમે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પર હિન્દી લાદવાની વિરુદ્ધ છીએ. અમે વિરોધ માર્ચમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે.'
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા વિવાદ શું છે?
એક અઠવાડિયા પહેલા મહારાષ્ટ્ર સરકારે ધોરણ 1થી ત્રણ ભાષા નીતિ પર સરકારી આદેશ જાહેર કર્યો હતો. જમાં હિન્દીને ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવી. આ અંગે સરકારની ખૂબ ટીકા થઈ હતી. પછી સરકારે થોડો ફેરફાર કરીને કહ્યું હતું કે, 'ત્રીજી ભાષા પહેલા અને બીજા ધોરણમાં મૌખિક રીતે શીખવવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ પુસ્તકો આપવામાં આવશે નહીં અને કોઈ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.'
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, રાજ્યની શાળાઓમાં ધોરણ 5થી હિન્દી શીખવવી જોઈએ. હિન્દીને અવગણવી પણ સારી નથી, કારણ કે દેશના લગભગ 55 ટકા લોકો આ ભાષા બોલે છે.'