
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણેમાં ગુજરાતી સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હિન્દીમાં ભાષણ આપ્યું હતું. તે પછી ભાષણના અંતે શિંદેએ 'જય હિંદ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત' કહેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથે એકનાથ શિંદે પર સખ્ત ટીકા કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બચાવમાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા નાના પટોલેએ એકનાથ શિંદેના 'જય ગુજરાત' નારા પર કહ્યું કે અમે તેમની નિંદા કરીએ છીએ, આ મહારાષ્ટ્રની માતૃભૂમિ અને મરાઠી ભાષાનું અપમાન છે. જ્યારે ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એકનાથ શિંદેના 'જય ગુજરાત' નારાની ક્લિપ શેર કરતા એમ લખ્યું કે, શહા સેના, શહા સેના!
https://twitter.com/rautsanjay61/status/1941083525047812102
ફડણવીસે શિંદેનો બચાવ કર્યો
જોકે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેનો બચાવ કર્યો. શિંદેએ પુણેમાં એક કાર્યક્રમમાં 'જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત' કહ્યું હતું જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા અને તેમણે ગુજરાતીમાં સભાને સંબોધિત કરી હતી. ફડણવીસે કહ્યું કે શિંદેએ 'જય ગુજરાત' કહ્યું એટલે એનો અર્થ એવો નથી કે તેઓ મહારાષ્ટ્રને ઓછો અને ગુજરાતને વધુ પ્રેમ કરે છે. આવી સંકુચિત વિચારસરણી મરાઠી માનુષીઓને શોભતી નથી.
શરદ પવારની વાત યાદ કરાવી
ફડણવીસે એ પણ યાદ અપાવ્યું કે જ્યારે કર્ણાટકના ચિકોડીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાયું ત્યારે શરદ પવારે સ્ટેજ પરથી 'જય મહારાષ્ટ્ર, જય કર્ણાટક' પણ કહ્યું હતું. તેમણે પૂછ્યું કે શું આનો અર્થ એ છે કે શરદ પવાર કર્ણાટકને વધુ અને મહારાષ્ટ્રને ઓછો પ્રેમ કરે છે?
હંગામો કરવાની જરૂર નથી: ફડણવીસ
ફડણવીસે કહ્યું કે, આપણે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં લોકોની ભાવનાઓ અનુસાર બોલીએ છીએ. બધા નેતાઓ આવું કરે છે. હવે જો ગુજરાતી સમુદાયમાં 'જય મહારાષ્ટ્ર, જય ગુજરાત' બોલાય તો બબાલ કરવાની જરૂર નથી. આપણે બધા પહેલા ભારતીય છીએ. ફડણવીસે કહ્યું કે જો કોઈ એવો સવાલ કરે શિંદેનો મહારાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો છે, તો તે વ્યક્તિ ખૂબ જ સંકુચિત માનસિકતા ધરાવે છે.