
ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને Axiom-4 મિશન કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ ૩૯એથી ઉડાન ભરી છે. અવકાશયાન બરાબર ૧૨.૦૧ વાગ્યે (ભારતીય સમય) ઉડાન ભરી છે. શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી પહેલો મેસેજ કર્યો છે.
અવકાશયાનમાંથી શુભાંશુએ લખ્યું કે, "નમસ્તે, મારા પ્રિય દેશવાસીઓ, what a ride... ૪૧ વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચ્યા છીએ. આ અદ્ભૂત પ્રવાસ છે. આ સમયે અમે ૭.૫ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની આસપાસ ફરીએ છીએ. મારા ખભા પર મારી સાથે આપણો તિરંગો છે. જે મને અહેસાસ કરાવે છે કે હું એકલો નથી. હું તમારા બધાની સાથે છું.
https://twitter.com/IndiaInSky/status/1937739777035710859
શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મારી યાત્રાની શરૂઆત જ નથી, આ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. અને હું ઈચ્છું છું કે બધા દેશવાસીઓ આ યાત્રાનો ભાગ બને. તમારી છાતી પણ ગર્વથી ભરેલી હોવી જોઈએ. તમારે પણ એ જ ઉત્સાહ દર્શાવવો જોઈએ. ચાલો... આપણે બધા સાથે મળીને ભારતની આ માનવ અવકાશ યાત્રાની શરૂઆત કરીએ. આભાર... જય હિંદ... જય ભારત.
જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા બાદ તેઓ રાકેશ શર્માના 1984ના મિશન પછી સ્પેશ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. 28 કલાકના પ્રવાસ બાદ અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 04:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક થવાની ધારણા છે.
હવાઈ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત યાત્રા: ભારતીય વાયુસેના
શુભાંશુ શુક્લાના મિશનના લોન્ચ પછી ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુશી વ્યક્ત કરી છે. IAF એ X પર લખ્યું છે કે આકાશ જીતવાથી લઈને તારાઓને સ્પર્શ કરવા સુધીની યાત્રા, ભારતીય વાયુસેનાના હવાઈ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક ઐતિહાસિક અવકાશ મિશન પર રવાના થયા છે જે દેશના ગૌરવને પૃથ્વીની પેલે પાર લઈ જશે. IAF એ કહ્યું કે આ ભારત માટે એક ક્ષણ છે, જે સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ પછી આવી છે, જેમણે સૌપ્રથમ આપણા ત્રિરંગાને પૃથ્વીની પેલે પાર લઈ ગયા હતા. આ એક મિશન કરતાં પણ વધારે છે.