
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે રાજ્યસભામાં ખૂબ નારાજ નજર આવ્યા. તેઓ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. ઠાકુરે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન કર્ણાટકમાં થયેલા એક કૌભાંડમાં ખડગેનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે જો આ આરોપ સાબિત થઈ ગયો તો તે રાજીનામું આપવા માટે તૈયાર છે. ઠાકુરે આ નિવેદન માટે માફી માગવી જોઈએ.
ખડગેએ કહ્યું કે 'હું તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં.' જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો ખડગેએ બોલવા માટે સમય માગ્યો. તેમની સમગ્ર વાત સાંભળવામાં આવીય ખડગેએ કહ્યું કે 'અનુરાગ ઠાકુરના આરોપોએ મારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.'
મારું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'મારું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે પરંતુ મે હંમેશા મૂલ્યોનો ખ્યાલ રાખ્યો છે. કાલે લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે મારા વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવ્યા. મારા સહયોગીએ તેમના અપમાનજનક નિવેદનને પડકાર આપ્યો કે તે મારા વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનને પાછું લે પરંતુ નુકસાન થઈ ચૂક્યું છે. મીડિયાએ તે નિવેદનને ઉઠાવ્યું સોશિયલ મીડિયા પર પણ તેમનું નિવેદન ફેલાઈ ચૂક્યું છે. તેમના નિવેદનથી મારી છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.'
ખડગેએ કહ્યું કે 'રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે હું અનુરાગ ઠાકુરના નિવેદન અને તેમના પાયાવિહોણા આરોપોની નિંદા કરું છું. આશા કરું છું કે તે પોતાના નિવેદન માટે માફી માગશે. અનુરાગ ઠાકુર પોતાના આરોપોને ક્યારેય સાબિત કરી શકશે નહીં. જો તેમણે આરોપ સાબિત કરી દીધાં તો હું રાજીનામું આપવા તૈયાર છું અને જો તે આરોપ સાબિત ન કરી શક્યા તો તેમણે સાંસદના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. હું મજૂરનો પુત્ર છું. હું મજૂર નેતા પણ રહ્યો છું અને કોંગ્રેસ અધ્યક્ષ છું. મે લાંબી સફર નક્કી કરી છે.'
અનુરાગ ઠાકુરે શું કહ્યું હતું
હકીકતમાં બુધવારે વકફ સુધારા બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતને વકફથી મુક્તિ જોઈએ કેમ કે કોંગ્રેસના શાસનમાં બનેલા વકફ કાયદાનો અર્થ હતો 'ખાતા ન બહી, જો વકફ કહે વહી સહી'. આ દરમિયાન અનુરાગ ઠાકુરે મલ્લિકાર્જુન ખડગેના નામનો ઉલ્લેખ કર્યો. અનુરાગ ઠાકુરે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. કર્ણાટકના મંદિરમાં સાડા ચાર સો કરોડ રૂપિયા વર્ષના ભેગા કરે છે. ક્યાં ખર્ચ કરે છે કોણ જવાબ આપે છે તેનો. એક-એક રૂપિયાનો હિસાબ આપવો જોઈતો હતો. શું કોઈ મસ્જિદના રૂપિયા તમે લીધા? શું કોઈ વકફ બોર્ડના રૂપિયા તમે લીધા? પરંતુ કર્ણાટકમાં જે કૌભાંડ થયું તેમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ આવે છે.