
દેશમાં છેલ્લા ઘણાં સમયથી મોટી શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના વધી ગઈ છે. ગુજરાતની લૉ યુનિવર્સિટીમાં ગત મહિને રેગિંગના કારણે એક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી, ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અને આત્મહત્યા અટકાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની રચના
સુપ્રીમ કોર્ટે કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ન્યાયાધીશ જે.બી.પારડીવાલાની બેંકે કહ્યું કે, છેલ્લા બે મહિનામાં કૉલેજના હોસ્ટેલમાં જાતીય સતામણી, રેગિંગ, ભેદભાવ સહિત અન્ય કારણોસર ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતની લૉ યુનિવર્સિટીમાં 19 માર્ચે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.
જાતીય સતામણી, રેગિંગ, ભણતરના દબાણથી આત્મહત્યા
ખંડપીઠે કહ્યું કે, ‘ગત મહિને આઈઆઈટી પટનામાં પણ આવી ઘટના બની હતી. વિદ્યાર્થીએ ભણતરના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત ઓડિશાની એન્જિનિયરિંગ કૉલેજમાં એક નેપાળી વિદ્યાર્થીએ જીવ ખોયો હતો. આ ઘટનામાં સાથી વિદ્યાર્થી પર જ જાતીય સતામણી અને બ્લેક મેઈલિંગનો આરોપ લાગ્યો હતો. કેરળની એન્જિનિયરિંગ કૉલેજમાં પણ રેગિંગના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી.
‘આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ’
ખંડપીઠમાં સામેલ ન્યાયાધીશ આર.મહાદેવને કહ્યું કે, આપણે આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ. અમને ચિંતા છે કે, ભેદભાવ, રેગિંગ અને જાતીય સતામણીના કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના વાલીઓને મળીને આત્મહત્યા અટકાવવાના પ્રયાસો કરવાના દિશાનિર્દેશ નિર્ધારીત કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ટ ફોર્સની આગેવાની નિવૃત્ત ન્યાયાધીશ એસ.રવીન્દ્ર ભટ્ટ કરશે. ટાસ્ટ ફોર્સમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સેક્રેટરી, સામાજીક ન્યાય વિભાગના સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ સામેલ છે.
ટાસ્ક ફોર્સને ચાર મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ
સુપ્રીમ કોર્ટેને ટાસ્ટ ફોર્સને કહ્યું છે કે, તેઓ વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળના કારણો શોધે અને તેને અટકાવવા માટે ઉઠાવાયેલા પગલાનો ચાર મહિનામાં રિપોર્ટ આપે. 2023માં IIT દિલ્હીની હૉસ્ટેલમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. મૃતકના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી આક્ષેપ કર્યો હતો કે, કેમ્પસમાં શોષણના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પોલીસે FIR પણ નોંધી ન હતી અને કાયદાકીય તપાસની વાત કહી કેસ બંધ કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે કેસ ન નોંધનાર પોલીસની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતાએ શોષણનો આક્ષેપ કર્યો હતો, તો પોલીસે FIR નોંધવી જોઈતી હતી. માત્ર તપાસ બાદ કેસને બંધ કરી દેવો પર્યાપ્ત નથી. કોર્ટે કહ્યું કે, આવી રીતે તપાસ કરવાથી માત્ર એટલું જ જાણી શકાય છે કે, મોત કેવી રીતે થઈ, આત્મહત્યા પાછળના કારણો જાણી શકાતા નથી.