
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે.
80 જેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્સની તપાસ કરતા 80 જેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (એફ) 2નો ઉમેરો કરવામાં આવ્યો છે.
રોમાનીયા અને એટલાન્ટાની આઇપી એડ્રેસ પણ મળી આવ્યા
જ્યારે દેેશના અન્ય શહેરોના શોપિંગ મોલ, જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાંકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે. સાથે સાથે પોલીસને રોમાનીયા અને એટલાન્ટાની આઇપી એડ્રેસ પણ મળી આવ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાઓને ઘ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાઇ છે. સાથેસાથે અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસને મહત્વની કડી મળી શકે છે.
બીજી તરફ આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(એફ)2 ની કલમ પણ ઉમેરી છે. જે સાયબર ટેરરીઝમની કેટેગરીમાં આવે છે અને તેમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે.